સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર દ્વારા ગતરાત્રીના પુર્વ બાતમીના આધારે ભાવનગર જિલ્લાના સીહોર જીઆઈડીસી-૩માં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલુ કન્ટેનર ખાલી થતુ હતું ત્યારે દરોડો પાડીને મસ મોટા ઈંગ્લીશદારૂના જથ્થા તેમજ વાહનો સાથે પ૮.૭૩ લાખ સાથે ૪ બુટલેગરોની ધરપકડ કરીને કાર્યવાહી કરતા સિહોર સહિત ભાવનગર શહેર અને જિલ્લાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે અને દારૂનું વેચાણકર્તાઓમાં ફફડાટ ફેલાવા પામ્યો છે. પો.સ્ટે.માંથી પ્રાપ્ત વિગતો મુજબ બહારના રાજયમાંથી ગુજરાતમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભાવનગર આવી રહ્યો હોવાની ગુજરાતના સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમને મળેલી બાતમીના આધારે ગત સાંજથી જ ગોઠવેલી વોચમાં રાત્રીના સમયે એક કન્ટેનર સિહોર જીઆઈડીસી-૩ના ડેલામાં જતા સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે તુરંત જ દરોડો પાડતા કન્ટેનરમાં ચુનાની બોરીઓની નીચે સંતાડેલી ઈંગ્લીશ દારૂની પેટીઓ ઝડપાઈ હતી અને તેને સિહોર પો.સ્ટે.માં જગ્યાના અભાવે સોનગઢ જુના પો.સ્ટે. જઈ ખાલી કરતા કુલ ૬૦૧ પેટી દારૂ ઝડપાયો હતો. આ દારૂના જથ્થા સાથે સીહોરના બુટલેગર વોરા શેરી તમાકુ બજારમાં રહેતા વિમલ ઘનશ્યામભાઈ મણીયાર (ઉ.વ.૪૬), મનિષ નલીનભાઈ પરમાર (ઉ.વ.૩૩) રહે. સિહો, શશીકાંત ઉર્ફે મોન્ટુ રમણીકભાઈ સોલંકી (ઉ.વ.૩૭) રહે. સિહોર તથા પરવીન અવાસીંગ જાટ (ઉ.વ.૩પ) રહ. ખાનપુર, જિ. સોનીપત, હરીયાણા વાળાની ધરપકડ કરી હતી. આ શખ્સો સામે પ્રોહી. એકટ તળે પીએસઆઈ બી.જે. પુરબીયાએ ફરિયાદ નોંધાવતા ગુનો નોંધી ચારેય શખ્સોની પુછપરછ હાથ ધરતા આ ઈંગ્લીશ દારૂનો જથ્થો કાલા તથા પવન નામના બુટલેગરે મોકલ્યો હોવાનું જણાવતા બન્ને સામે ગુનો નોંધી તેઓને વોન્ટેડ જાહેર કર્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે સિહોરમાં અગાઉ પણ દારૂના મસ મોટા જથ્થા ઝડપાયા હતા ત્યારે આજે ફરીથી ઈંગ્લીશ દારૂ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે ભાવનગરમાં મસ મોટો દારૂનો જથ્થો આવ્યો અને ઉતરતો હતો છતા સિહોર પોલીસ સહિત જિલ્લામાં એક પણ પોલીસ સ્ટેશનને તેમજ એલસીબી, એસઓજી, એસ.પી., આઈ.જી. સહિત કોઈને પણ તેની જાણકારી ન મળી અને સ્ટેટ મોનીટરીંગ સેલ આવીને દરોડો પાડી. મસમોટો દારૂનો જથ્થો ઝડપી લેવાના બનાવમાં અનેક પોલીસ અધિકારીઓ નીચે રેલો આવશે તેવું પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે.