એક દેશનો ક્રિકેટર બીજા દેશની ટીમ માટે કઇ રીતે રમી શકે, અને તે પણ સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં. આ વાત થોડી અજુગતી લાગશે પણ બન્યુ છે એવુ કે હવે વેસ્ટ ઇન્ડિઝનો ક્રિકેટર જોફ્રા આર્ચર ઇંગ્લેન્ડની ટીમમાંથી રમવા જઇ રહ્યો છે.
જોફ્રા આર્ચર આગામી વર્ષે ઇંગ્લેન્ડમાં યોજાનારા વર્લ્ડકપ ૨૦૧૯ માટે ઇંગ્લેન્ડની ટીમમાંથી રમવાનો છે, એટલું જ નહીં એશિઝ સીરીઝમાં પણ ઇંગ્લેન્ડની ટીમનો ભાગ બની શકે છે. આર્ચરને આ મોકો ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) દ્વારા પોતાની ટીમમાં રમવાની યોગ્યતા વાળા નિયમમાં ફેરફાર કર્યા બાદ મળ્યો છે. ઇસીબીની બેઠકમાં પોતાના રેશિડેન્શિયલ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા ઇંગ્લેન્ડની નેશનલ ક્રિકેટ ટીમમાં રમવા માટે ખેલાડીને સાત વર્ષ ઇંગ્લેન્ડમાં વિતાવવા પડતા હતા, જેને બોર્ડે ઓછા કરીને ત્રણ વર્ષ કરી દીધા છે.
આર્ચર ૨૦૧૫માં ઇંગ્લેન્ડ આવ્યો હતો અને ત્યારથી તે ઇંગ્લેન્ડની કાઉન્ટી સસેક્સમાં રમી રહ્યો છે.