ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ૬ ડિસેમ્બરથી શરૂ થઇ રહેલી ચાર ટેસ્ટ મેચની સિરીઝ પહેલા ભારતને ફટકો પડ્યો છે. સિડની ગ્રાઉન્ડ પર ક્રિકેટ ઓસ્ટ્રેલિયા-૧૧ વિરૂદ્ધ પ્રેક્ટિસ મેચમાં ત્રીજા દિવસે ઓપનર બેટ્સમેન પૃથ્વી શૉ ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. પૃથ્વી કેચ પકડવાના ચક્કરમાં બાઉન્ડ્રી પર ઉંધા માથે પટકાયો હતો.જેને કારણે તેને ફિઝિયો તેમજ અન્ય એક સહાયક ઉઠાવીને મેદાનની બહાર લઇ ગયા હતા. પૃથ્વી શૉ આ ઇજાને કારણે પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે.
પૃથ્વીએ પ્રેક્ટિસ મેચમાં ૬૬ રનની ઇનિંગ રમી હતી. ફિલ્ડિંગ સમયે તે ડીમ મિડવિકેટ બાઉન્ડ્રી પર કેચ પકડવાના પ્રયાસમાં ઇજાગ્રસ્ત થઇ ગયો હતો, તેની એડીમાં ઇજા થઇ છે. ઓસ્ટ્રેલિયાના મેક્સ બ્રાયંટે ઉંચો શોટ ફટકાર્યો હતો જેને પકડવા માટે પૃથ્વીએ પ્રયાસ કર્યો હતો અને ખુદને બાઉન્ડ્રીની અંદર રાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ દરમિયાન તેનો પગ વળી ગયો હતો અને તે નીચે પડી ગયો હતો. ટીમ ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ અને એક અન્યના સહારે તેને ઉઠાવીને ચેન્જિંગ રૂમ સુધી લઇ જવામાં આવ્યો હતો. તે બાદ પૃથ્વીને સ્કેન માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.