રાજસ્થાનમાં સાતમી ડિસેમ્બરના દિવસે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. આને લઇને ભાજપ અને કોંગ્રેસે તમામ તાકાત લગાવી દીધી છે. રાજકીય પક્ષો એકબીજા ઉપર પ્રહાર કરવાની કોઇ તક છોડી રહ્યા નથી. ભાજપ પ્રમુખ અમિત શાહ ફલોદીમાં ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. ચૂંટણી સભાને સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ શહીદ જવાનોનો બદલો લીધો છે. કોંગ્રેસ દ્વારા શહીદોનું અપમાન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ પાર્ટીમાં ક્યારેય હિંમત ન હતી પરંતુ ભાજપ સરકાર આક્રમક કાર્યવાહી કરી રહી છે. શાહે કહ્યું હતું કે, આજે સરહદ ઉપર ફરજ બજાવતા જવાનોના મનમાં આત્મવિશ્વાસ છે કે, તેમની સરકાર તેમની પાછળ ચટ્ટાનની જેમ ઉભી છે. કોંગ્રેસના પ્રમુખના આક્ષેપોનો જવાબ આપતા અમિત શાહે કહ્યું હતું કે, એક બાજુ મોદીના નેતૃત્વમાં દેશભક્તોની ટોળકી છે જ્યારે બીજી બાજુ રાહુલના નેતૃત્વમાં સત્તાનો ઉપયોગ કરવા ટોળકી છે જેની પાસે નેતા નથી. નીતિ નથી અને સિદ્ધાંતો પણ નથી. કોંગ્રેસ તરફથી રાજસ્થાન માટે કોઇ મુખ્યમંત્રી પદના ઉમેદવારને જાહેર ન કરાતા આ અંગે ટિપ્પણી કરતા અમિત શાહે કહ્યું હતું કે, જે સેનાની પાસે સેનાપતિ નથી તે સેના કોઇરીતે વિજય મેળવી શકે નહીં.
રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે ત્યારે આક્ષેપ પ્રતિઆક્ષેપોનો દોર તીવ્ર બની રહ્યો છે. રાજસ્થાનમાં હાલમાં વસુંધરા રાજેની સરકાર છે. રાજસ્થાનની રાજકીય પરંપરા મુજબ પાંચ વર્ષ કોંગ્રેસના અને પાંચ વર્ષ ભાજપના હોય છે. આવી સ્થિતિમાં આ વખતે કોંગ્રેસનો નંબર હોવાથી ભારતીય જનતા પાર્ટીએ વધારે તાકાત લગાવી દીધી છે. વિતેલા વર્ષોમાં ભૈરોસિંહ શેખાવતના નેતૃત્વમાં ભાજપે બે વખત જીત મેળવી હતી.