અન્ના હજારેએ કહ્યું હતું કે, જો આવતી ૩૦ જાન્યુઆરી સુધીમાં લોકપાલની નિયુક્તિ કરવામાં નહી આવે તો તેઓ પોતાના ગામમાં ભૂખ હડતાળ પર બેસી જશે. સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ લોકપાલ નિયુક્તિને લઈને સરકારને ફરી એક વખત અલ્ટીમેટમ આપ્યું છે. અન્ના હજારેએ કહ્યું હતું કે, જો આવતી ૩૦ જાન્યુઆરી સુધીમાં લોકપાલની નિયુક્તિ કરવામાં નહી આવે તો તેઓ પોતાના ગામમાં ભૂખ હડતાળ પર બેસી જશે. પ્રધાનમંત્રીની ઓફીસમાં રાજ્ય મંત્રી જીતેન્દ્રસિંહને પત્ર લખતા અન્ના હજારેએ એનડીએ સરકાર પર કેન્દ્રમાં લોકપાલ અને રાજ્યોમાં લોકાયુક્તની નિમણુંકને લઈને બહાનાબાજીનો આરોપ લગાવ્યો હતો.
અન્ના હજારેએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે પહેલાં કહ્યું કે લોકસભામાં વિપક્ષના નેતા નથી એટલા માટે લોકપાલની નિયુક્તિ થઇ શકે નહી. ત્યાર બાદ કહ્યું કે, પસંદગી સમિતિમાં કોઈ પ્રતિષ્ઠિત કાયદા શાસ્ત્રી નથી. કેન્દ્ર સરકાર ખાલી બહાના બનાવી રહી છે.
અન્ના હજારેએ વધુમાં કહ્યું હતું કે, તેઓ ૨૩ મી માર્ચે દિલ્હીમાં રામલીલા મેદાનમાં હડતાલ પર બેઠા હતા, પરંતુ જ્યારે પીએમઓએ તેમને લેખિતમાં કહ્યું કે તેમની માગણીઓ પૂરી કરવામાં આવશે તો તેઓએ હડતાલને પૂરી કરી હતી.
અન્નાએ કહ્યું હતું કે, તે પછી તેમણે ૨ ઓક્ટોબરની સમયસીમા આપી હતી. તેમણે કહ્યું, ’ ૨ ઓક્ટોબરથી, મારા ગામ રાલેગણ સિદ્ધિમાં મારી હડતાલ ફરીથી શરૂ થવાની હતી પરંતુ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓએ ખાતરી આપી કે લોકપાલ અને લોકાયુક્તની નિમણૂકની પ્રક્રિયા છેલ્લા તબક્કામાં છે. તેથી મેં તેમને બીજી તક આપવાનું નક્કી કર્યું અને ૩૦ જાન્યુઆરી સુધી રાહ જોઈ રહ્યો છું. ’ તેમણે કહ્યું, દેખીતી રીતે વર્તમાન સરકારનો ઇરાદો લોકપાલ અને લોકાયુક્તની નિમણૂંક કરવાનો નથી.