ઉત્તર પ્રદેશના બુલંદશહેર જિલ્લામાં ગૌહત્યાની આશંકામાં આજે હિંસા ભડકી ઉઠી હતી. બુલંદશહેરમાં ભડકી ઉઠેલી હિંસામાં ગંભીર ઈજા થતા એક પોલીસ ઈન્સ્પેક્ટરનું મોત થયું હતું. મૃત્યુ પામેલા પોલીસ ઈન્સ્પેક્ટરની ઓળખ સુબોધકુમાર સિંહ તરીકે થઈ છે જે બુલંદશહેરમાં સયાના કોટવાલીમાં ફરજ બજાવી રહ્યા હતા. કેટલાક પોલીસ જવાનો અને દેખાવકારોને હિંસા દરમિયાન ઈજા થઈ હતી. તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરાંત કેટલાક પોલીસ વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. નારાજ લોકોએ ખાનગી વાહનોને આગ ચાંપી દીધી હતી.
સ્થાનિક દેખાવકારોની સાથે સાથે જમણેરી પાંખના લોકોએ ગૌહત્યા સામે હિંસા ફેલાવીને વ્યાપક તોડફોડ કરી હતી. બુલંદશહેર શહેરમાં પાટનગરથી ૧૫૦ કિલોમીટરના અંતરે ચિંગરાવતી પોલીસ આઉટ પોસ્ટ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ ચોકી પર વ્યાપક તોડફોડ કરવામાં આવી હતી. પોલીસ વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં વિસ્ફોટક સ્થિતિ સર્જાઈ ગઈ હતી. પોલીસ પર ગોળીબારના સમાચાર પણ મળ્યા છે. પોલીસના ગોળીબારમાં અન્ય બે લોકોને ઈજા થઈ હતી. અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા મોડેથી ગોઠવી દેવામાં આવી હતી. સયાનાના એક ગામના ખેતમાં ગૌવંશ મળી આવ્યા બાદ લોકોએ હિંસા ફેલાવી હતી. પોલીસ અને ભીડ આમને સામને આવી ગઈ હતી. પોલીસે ગૌહત્યાની આશંકામાં દેખાવ કરી રહેલા હજારો લોકોની ભીડને અલગ કરવા માટે ગોળીબાર કર્યો હતો. જેમાં એક યુવકને ગંભીર રીતે ઈજા થઈ હતી. બુલંદશહેરના ડીએમ અનુજા ઝાએ કહ્યું છે કે ગેરકાયદે કતલખાનાની સામે દેખાવ કરી રહેલા લોકો અને પોલીસ વચ્ચે અથડામણનો દોર શરૂ થયો હતો. કાયદો અને વ્યવસ્થા સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે કેટલાક લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. આ ગાળા દરમિયાન ગામવાળાઓ સાથે સંઘર્ષમાં ઈન્સ્પેક્ટરનું મોત થયું હતું. ટોળામાંથી કોઈ વ્યક્તિએ ગોળીબાર પણ કર્યો હતો. જેમાં પોલીસ ઈન્સ્પેક્ટર સુબોધકુમાર સિંહને ઈજા થઈ હતી. જેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. સ્થળ ઉપર મોટી સંખ્યામાં પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.
બુલંદશહેરમાં વિસ્ફોટક સ્થિતિને ધ્યાનમાં લઈને મેરઠના એડીજી પ્રશાંતકુમાર અને આઈજી રેન્જ રામકુમાર સ્થળ ઉપર પહોંચી ગયા છે. બુંલદશહેરમાં હાલના દિવસોમાં ઈજ્તમા ચાલી રહ્યું છે. જ્યાં મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. તેમના વાહન પણ અટવાઈ પડ્યા હતા. મોટી સંખ્યામાં ઔરંગાબાદ-જહાંગીરાબાદ માર્ગ ઉપર વાહનોને ડાયવર્ટ કરાયા છે.