રાજ્યમાં લોકરક્ષક પરીક્ષાનું પેપર લીક થયાનાં મામલે ૩ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે બનાસકાંઠાનાં એદ્રાણાનાં મુકેશ ચૌધરી, વાવનાં મનહર પટેલ અને અરવલ્લીનાં અરજણ પટેલની ધરપકડ કરવામાં આવી છે. તો એક પીએસઆઈની પી.વી. પટેલની સામેલગીરી પણ બહાર આવી છે. આ ઉપરાંત ગાંધીનગરની શ્રીરામ હૉસ્ટેલનાં સંચાલક રૂપલ શર્મા અને વડોદરાનાં યશપાલ સિંહ સામે ફરિયાદ નોંધાઈ છે. હવે આ મામલામાં ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ આ મામલે સરકારની ઠેકડી ઉડાવી રહી છે. ત્યાં જ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યા પણ આ મામલે કૂદી પડ્યા છે અને સરકારની સરકારની કામગીરીને બિરદાવી છે.
ભરત પંડ્યાએ જણાવ્યું કે,’લોકરક્ષક દળની પરિક્ષાનું પેપર લીક થવાની ઘટના એ કમનસીબ અને તમામ પરીક્ષાથીઓ માટે પીડા દાયક છે. સરકાર એ કસૂરવાર સામે એકશન લેવા જોઈએ, આ લાગણી સાથે સરકારની લાગણી જોડાયેલી છે. પારદર્શિતાથી પરીક્ષા લેવાય તેના માટે ફરી પરીક્ષા લેવાશે, વિજયભાઇ રૂપાણીની સરકારે ખુબ જ સુંદર નિર્ણય લીધો છે’. ભરત પંડ્યાએ વધુમાં કહ્યું કે,’સરકાર ઝીરો ટોલરેન્સમાં માને છે, લોકરક્ષક પેપલ લીક થવાની ખબર પડતા જ તરત જીતુ વાઘણીએ ૨ કાર્યકર્તા મુમેશ ચૌધરી, મનહર પટેલને સસ્પેન્ડ કરી દીધા છે. જે વિરોધ કરે છે તેને પૂછવું છે, કોંગ્રેસ ને પૂછવું છે કે ફરી પરિક્ષા ના લેવા માં આવે? કોંગ્રેસ રાજકીય સ્વાર્થ માટે વેર ઝેર ઉભા કરે છે, વાદવિવાદ ઉભા કરે છે, મગફળી, હિંસામાં પકડાયેલા કાર્યકર્તા તમામને તેમણે છાવર્યા છે.
મહેરબાની કરી કોંગ્રેસ આવા આક્ષેપ ન કરે. સરકાર એક્શન લે છે અને લીધા છે. કોંગ્રેસ જાહેર જનતામે ભડકાવી રહી છે. કોંગ્રેસના નિવેદન અને નિર્ણય ગુજરાતના હિતમાં નથી તે પ્રજા જાણે છે.