પ૯-ધંધુકા વિધાનસભા મતક્ષેત્ર માટે આજે નવરચિત ગુજરાત જન ચેતના પાર્ટીમાંથી ધોલેરા તાલુકાના ઓતારિયાના રહીશ ગીતાબેન કોળી પટેલે કોહીનુરના સિમ્બોલ સાથે ધંધુકા પ્રાંત કચેરી ખાતે ફોર્મ ભર્યુ છે.
ધંધુકા વિધાનસભાની ચૂંટણી બીજા તબક્કામાં યોજાવાની છે ત્યારે મુખ્ય સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ દ્વારા હજુ ઉમેદવારોના નામ જાહેર થયા નથી. બન્ને પાર્ટીઓ ઉમેદવારો નક્કી કરવામાં અવઢવમાં છે. આ મત વિસ્તારમાં કોળી સમાજનો દબદબો જોવા મળે છે યાને કોળી પટેલ સમાજની આ વિધાનસભા ક્ષેત્રમાં બહુમતી છે. અગાઉની ચૂંટણીમાં લાલજીભાઈ મેર (કોળી પટેલ) જેઓ ભાજપમાંથી ચૂંટાઈ આવેલા પણ આ ચૂંટણીમાં તેમને ટીકીટ મળવાની શક્યતા નહીવત જેવી દેખાઈ રહી છે. ઉપરાંત ચાલુ ધારાસભ્ય દ્વારા તેમના મત વિસ્તારમાં વિકાસના કામો કર્યા હોય તેવું ખાસ દેખાતું નથી ત્યારે મતદારો તેમનાથી નારાજ છે. જેને લઈ સત્તાધારી પક્ષ અન્ય સક્ષમ ઉમેદવારની શોધમાં છે તો કોંગ્રેસ પક્ષ બીજેપીના ઉમેદવારને ટક્કર આપી શકે તેવા જે ઉમેવારને ટીકીટ ફાળવાશે તેવું દેખાઈ રહ્યું છે. હાલ ટિકીટવાંચ્છુ ટીકીટ મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે.
તો વળી ગુજરાત જનચેતના પાર્ટીએ ધંધુકા મત વિસ્તારના બીજેપી ધારાસભ્ય લાલજીભાઈ મેરએ આ વિસ્તારમાં કોઈપણ જાતના વિકાસ કાર્યો કર્યા નથી. લોકોને ઠાલા વચનો જ આપ્યા છે. વિકાસ ક્યાંય દ્રષ્ટિગોચર થતો નથી તેવા આક્ષેપ કરી ગુજરાત જનચેતના પાર્ટીના ઉમેદવાર ગીતાબેન કોળી પટેલે જણાવ્યું કે, અમારી પાર્ટી સાચી દિશા આપશે. સાચા અર્થમાં વિકાસ કરી બતાવીશું.