ભાવનગર મહાપાલિકાની સાધારણ સભામાં બે દિવસ પૂર્વે કાળીયાબીડ, કંસારાના ગેરકાયદે દબાણો સોમવારથી હટાવવાની કરાયેલી જાહેરાતના પગલે આજે સવારે એસ્ટેટ ઓફિસર સહિત અધિકારીઓનો કાફલો પોલીસ બંદોબસ્ત સાથે સાધન સરંજામ લઈને કાળીયાબીડ પહોંચ્યા હતા અને ભગવતી સર્કલમાં બંધાઈ રહેલા ગેરકાયદે બિલ્ડીંગનું કામ અટકાવી તેને હટાવવાની કામગીરી કરવા ઉપરાંત કંસારાના ગેરકાયદે દબાણો પણ હટાવાયા હતા. જ્યારે બપોર બાદ મોતીતળાવ ખાતેના ગેરકાયદે દબાણો ઉપર જેસીબી ફેરવી દેવાતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.
કંસારા શુધ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત કંસારામાં થયેલા દબાણો હટાવવાના પ્રશ્ને કારોબારી સમિતિ તેમજ સાધારણ સભામાં થયેલી ભારે તડાપીટ બાદ સાધારણ સભામાં સોમવારથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરાયા બાદ આજે સવારથી મહાપાલિકાના અધિકારીઓનો કાફલો પોલીસ બંદોબસ્ત સાથે કાળીયાબીડ ખાતે પહોંચ્યો હતો. જ્યાં ભગવતી સર્કલમાં ત્રિકોણમાં મંજુરી વગર બનાવાઈ રહેલ બિલ્ડીંગ ઉપર જેસીબી ફેરવી દેવાયું હતું તેમજ કંસારાના બાંધકામો પણ હટાવાયા હતા. આ ઉપરાંત કુંભારવાડા, મોતી તળાવ રોડ પરના દબાણો પણ બપોર બાદ હટાવાયા હતા ત્યાં એક નાનુ મંદિર પણ હટાવાયું હતું.
ભાવનગર મહાપાલિકા દ્વારા ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી પૂનઃ શરૂ કરાતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાવા પામ્યો છે ત્યારે આ કામગીરી ક્યાં સુધી શરૂ રહેશે તે જોવું રહ્યું.