શહેરમાં મુસાફરો માટે થોડા સમય અગાઉ જ લાખો રૂપિયાનો ખર્ચ કરીને નવા બસ સ્ટેન્ડ બનાવવામાં આવે છે. જે શહેરની સુંદરતામાં વધારો કરી રહ્યાં છે તો આ બસ સ્ટેન્ડમાં ગેરકાયદેસર રીતે ખાનગી સંસ્થાઓ દ્વારા જાહેરાતના સ્ટીકરો લગાડવામાં આવી રહ્યાં છે.
તેના પગલે બસ સ્ટેન્ડ બદસુરત બની રહ્યાં છે. તો મુસાફરો માટે બનાવેલાં સ્ટેન્ડમાં જે જાહેરાતના સ્ટીકરો લગાડવામાં આવે છે તેવી સંસ્થાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો પણ ડેપો તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજ્યના પાટનગરમાં આવેલાં ડેપો દ્વારા શહેરી બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદ – ગાંધીનગર વચ્ચે અવર જવર કરતી બસમાં મુસાફરી કરતાં શહેરના મુસાફરો માટે ઠેકઠેકાણે બસ સ્ટેન્ડ ઉભા કરવામાં આવે છે તો થોડા સમય અગાઉ લાખો રૂપિયાનો ખર્ચ કરીને નવી ડિઝાઇન વાળા બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે.
જે ગરમી, ઠંડી તેમજ વરસાદની મોસમમાં મુસાફરોને રક્ષણ પણ આપે તેવા તૈયાર કરાયાં છે. ત્યારે આ બસ સ્ટેન્ડ શહેરની સુંદરતામાં પણ વધારો કરી રહ્યાં છે તેવી ડિઝાઇનવાળા ઉભા કરાયાં છે પરંતુ છેલ્લા ઘણા સમયથી શહેરમાં આવેલી વિવિધ ખાનગી સંસ્થાઓ દ્વારા જાહેરાતનું અસરકારક માધ્યમ બસ સ્ટેન્ડને બનાવ્યું હોય તેમ આડેધડ જાહેરાતના સ્ટીકરો ચોટાડવામાં આવી રહ્યાં છે. જે બસ સ્ટેન્ડને બદસુરત બનાવી રહ્યાં છે.
છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે ગેરકાયદેસર રીતે સ્ટીકરો લગાડવામાં આવતાં સમગ્ર સ્ટેન્ડ જાહેરાતના સ્ટીકરોમાં ઢંકાઇ જતાં હોય તેવા હાલમાં નજરે પડી રહ્યાં છે. જેથી ડેપો તંત્ર દ્વારા આવી પ્રવૃત્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મુસાફરો માટે ઉભી કરાયેલી સુવિધામાં જે પ્રકારે ખાનગી સંસ્થાઓ દ્વારા સ્ટીકરો લગાડવામાં આવે છે. જેના પગલે બસ સ્ટેન્ડ પણ મુળ સ્વરૂપમાં જોવા મળતું નથી. જેથી આવી સંસ્થાઓ સામે કડક કાર્યવાહી કરવા સહિત દંડ ફટકારવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.