ગાંધીનગર શહેરની મધ્યમાં સેક્ટર-૧૬ ખાતે ઘ-૫ નજીક થોડા વર્ષો અગાઉ તંત્ર દ્વારા ઓપનએર થીયેટર ઉભું કરવામાં આવ્યું હતું. જેના પગલે નગરજનોને પણ આશા બંધાણી હતી કે, કાર્યક્રમોના આયોજન માટે સરળતાં મળી શકશે.
તંત્ર દ્વારા તમામ સુવિધાઓ આ થીયેટરમાં ઉભી કરવામાં આવી હતી પરંતુ સમયાંતરે જાળવણી કરવામાં નહીં આવતાં ધીમે ધીમે કરોડો રૂપિયાનો ખર્ચે બનેલું થીયેટર બિસ્માર થવા લાગ્યું છે. તો થીયેટરની અંદર ઉભી કરવામાં આવેલી સુવિધાઓ પણ જર્જરીત હાલતમાં નજરે પડી રહી છે.
રાજ્યના પાટનગરની મધ્યમાં તંત્ર દ્વારા મનોરંજન કાર્યક્રમોના આયોજન માટે ઓપનએર થીયેટર બનાવવામાં આવ્યું છે. જેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે. પરંતુ જે પ્રકારે સમયાંતરે જાળવણી કરી જોઇએ તે પ્રકારે નહીં થતાં હાલમાં આ થીયેટર બિસ્માર બનવા માંડયું છે.
ઉપરાંત વર્ષ દરમિયાન જુજ સંખ્યામાં જ કાર્યક્રમનું આયોજન થતું હોવાથી યોગ્ય રીતે તેની જાળવણી પણ તંત્ર દ્વારા કરવામાં નહીં આવતાં કરોડોનો ખર્ચ પાણીમાં ગયો હોય તેવું થીયેટર હાલમાં જોવા મળી રહ્યું છે. ઓપનએર થીયેટરની આસપાસ બનાવવામાં આવેલી સુરક્ષા દિવાલ પણ સમારકામના અભાવે ધીમે ધીમે જર્જરીત થવા લાગી છે. તો બીજી તરફ થીયેટરની અંદર શૌચક્રિયા માટે બનાવવામાં આવેલાં શૌચાલય પણ ખંડેર બની ગયાં છે.
જ્યારે આ થીયેટરની અંદરના ભાગે ઉગાડવામાં આવેલી લોન પણ ધીમે ધીમે સુકાઇ ગઇ છે. તો થીયેટરની અંદર બનાવવામાં આવેલું સ્ટેજ પણ હાલમાં ધીમે ધીમે તુટવા માંડયું છે. તંત્ર દ્વારા જે તે સમયે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે થીયેટરની બહાર આકર્ષિત ફાઉન્ટન પણ મુકવામાં આવ્યા હતાં. પરંતુ તેની હાલત પણ બદતર થઇ ગઇ છે.
જે તે વખતે આ ફુવારા લોકોના આકર્ષણનું કેન્દ્ર પણ બન્યા હતાં પરંતુ તેની પણ જાળવણી કરવામાં નહીં આવતાં ફુવારા પણ તુટવા માંડયાં છે. અંધકારનો સામનો કરવો ન પડે તે માટે ઉભી કરવામાં આવેલી લાઇટો પણ ધીમે ધીમે બંધ થવા માંડી છે. તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે શહેરની મધ્યમાં ઓપનએર થીયેટર ઉભું કરવામાં તો આવ્યું પરંતુ ક્યાં કારણોસર તેની જાળવણી કરવામાં આવતી નથી.
તેની સામે પણ અનેક સવાલ ઉભા થાય છે. થીયેટરની ફરતે મોટી સંખ્યામાં કાચા-પાકા દબાણો પણ ઉભા થઇ ગયાં છે. તેને પણ તંત્ર દ્વારા હટાવવામાં નહીં આવતાં આગામી દિવસોમાં કદાચ એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે આ દબાણો થીયેટરમાં ગોઠવાઇ જાય તો નવાઇ નહીં.