દિલ્હી આશ્રમથી ૯ યુવતી લાપત્તા થતાં ભારે ચકચાર

586

દિલ્હીમાં સંસ્કાર આશ્રમ ફોર ગર્લ્સમાંથી નવ યુવતીઓ ગાયબ થઇ ગયા બાદ ખળભળાટ મચી ગયો છે. સરકારી આશ્રમમાંથી બાળકીઓ લાપત્તા થવાની માહિતી પર દિલ્હી મહિલા પંચે નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાને સૂચના આપી છે. આજે સવારે સાત વાગે દિલ્હી મહિલા પંચના પ્રમુખ સ્વાતિ આશ્રમમાં પહોંચ્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ નોર્થ ઇસ્ટ ડિસ્ટ્રીક્ટના મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી અને આશ્રમના પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે. જીટીબી એન્ક્લેવ પોલીસે મામલામાં એફઆઈઆર દાખલ કરીને ઉંડી તપાસ શરૂ કરી દીધી છે. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિએ આ ઘટના પર નારાજગી વ્યક્ત કરતા મામલાની તપાસ ક્રાઈમ બ્રાંચ પાસેથી કરાવવાની માંગ કરી છે. એક ડિસેમ્બરની રાત્રે આ બનાવ બન્યો હતો.

દિલસાદ ગાર્ડન સ્થિત સંસ્કાર આશ્રમમાંથી નવ યુવતીઓ ગાયબ થઇ ગઇ હતી. આશ્રમના અધિકારીઓને બાળકી ગાયબ થવાને લઇને કોઇ માહિતી મળી ન હતી. બીજી ડિસેમ્બરના દિવસે સવારે આ અંગેની માહિતી મળી હતી. આ મામલામાં જીટીબી એન્ક્લેવ પોલીસ સ્ટેશનમાં બીજી ડિસેમ્બરના દિવસે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. સ્વાતિએ કહ્યું છે કે, દિલ્હીની એક સરકારી શેલ્ટરમાંથી નવ યુવતીઓ ગાયબ થવાની બાબત ખુબ જ ચોંકાવનારી છે. તેમને માહિતી મળી છે કે, આ આશ્રમમાંથી અનેક યુવતીઓ ગાયબ થઇ ગઇ છે. મહિલા આયોગે જુદા જુદા માનવ તસ્કરી સંબંધિત વિભાગનો પર્દાફાશ કર્યો છે. અગાઉ કેટલીક યુવતીઓને છોડાવવામાં આવી હતી. સ્વાતિએ કહ્યું છે કે, જે લોકો પણ આમા સામેલ છે તેમને પકડી પાડવા જોઇએ. યુવતીઓની શોધખોળ થવી જોઇએ. દોષિતોને કઠોર સજા થવી જોઇએ. ખુબ દુખની વાત છે કે, મહિલા આયોગ જાણી જોઇને બાળકીઓને છોડાવે છે છતાં કેટલાક અધિકારીઓ તેમને માનવ તસ્કરીમાં ફરીવાર ધકેલી દે છે. દિલ્હી મહિલા પંચનું કહેવું છે કે, આ નવ યુવતીઓને બાળ કલ્યાણ સમિતિના આદેશ ઉપર ચોથી મે ૨૦૧૮ના દિવસે દ્વારકાના શેલ્ટર હોમથી સંસ્કાર આશ્રમમાં લાવવામાં આવી હતી. આ તમામ માનવ તસ્કરી અને દેહવેપારનો શિકાર થઇ હતી. આ પહેલા પણ પંચે બાળ કલ્યાણ સમિતિના પૂર્વ સભ્યએ સંસ્કાર આશ્રમ, દિલસાદ ગાર્ડનમાં અવ્યવસ્થાને લઇને ફરિયાદ કરાવી હતી. એક યુવતીની સાથે આશ્રમના અધિકારીઓ દ્વારા ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે, બાળકીઓ સાથે ખરાબ વર્તન થઇ રહ્યું હતું. તેમને મારવામાં આવતી હતી. બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ અને સભ્યોને આ મામલામાં દરમિયાનગીરી કરવી પડી છે.

Previous articleકેન્દ્રીય મંત્રી ઉમા ભારતી ૨૦૧૯ લોકસભા ચૂંટણી નહિ લડે
Next articleસાતમા પગાર પંચની માંગણીઓ સરકારે સ્વીકારી : કેબિનેટમાં મૂકાશે મંજૂરી માટે