અમદાવાદ રેલ્વે સ્ટેશનને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળતાં આજે જબરદસ્ત ચકચાર મચી ગઇ હતી. તો બીજીબાજુ, શહેર પોલીસ, રેલ્વે પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ આ ધમકીને પગલે દોડતી થઇ ગઇ હતી અને બોંબ સ્કવોડ, ડોગ સ્કવોડની મદદથી અમદાવાદ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ, વિવિધ ટ્રેનોના કોચ, મુસાફરોના સામાન અને સંભવિત સ્થાનો પર ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. લાંબી અને સઘન તપાસના અંતે અમદાવાદ રેલ્વે સ્ટેશન કે પ્લેટફોર્મ પરથી કોઇ વાંધાનજક ચીજવસ્તુ નહી મળતાં પોલીસ સહિત રેલ્વે તંત્રએ રાહતનો દમ લીધો હતો. જો કે, બોંબ મૂકાયાની ધમકી અને પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓની તપાસને પગલે રેલ્વે સ્ટેશન પર મુસાફરોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલરૂમને આજે સાંજે કાલુપુર રેલ્વે સ્ટેશને ત્રણ બોંબ મૂકી પ્લેટફોર્મ નંબર-૧ અડધા કલાકમાં ઉડાવી દેવાનું હોવા અંગે માહિતી મળી હતી. જેને પગલે કાલુપુર પોલીસને તાત્કાલિક જાણ કરી રેલ્વે પોલીસને એલર્ટ કરી દેવાઇ હતી અને સાથે સાથે આરપીએફ, સીઆરપીએફ સહિતની સુરક્ષા એજન્સીઓને પણ ચેકીંગ વ્યવસ્થામાં તાત્કાલિક લગાવી દેવાઇ હતી. બીજીબાજુ, પોલીસે બોંબ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમો સાથે અમદાવાદ રેલ્વે સ્ટેશન પર ધામા નાંખ્યા હતા અને રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ, ઉભી રહેલી ટ્રેનો, તેના કોચ, શૌચલયો સહિતના વિવિધ સ્થાનો, પ્લેટફોર્મ પરના સ્ટોલ્સ અને ખૂણાની જગ્યાઓ એટલે સુધી કે, મુસાફરોના માલ-સામાનની પણ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે, કલાકોની સઘન અને ઝીણવટભરી તપાસ બાદ પણ કાલુપુર રેલ્વે સ્ટેશન કે પ્લેટફોર્મ પરથી કોઇ જ વાંધાનજક ચીજવસ્તુ મળી નહી આવતાં સ્થાનિક પોલીસ, સુરક્ષા એજન્સીઓની સાથે સાથે રેલ્વે તંત્રએ રાહતનો દમ લીધો હતો. જો કે, આ તપાસ અને બોંબથી રેલ્વે સ્ટેશનને ઉડાવી દેવાની પ્રસરેલા સમાચારને પગલે મુસાફરો અને સ્ટેશન પર રહેલા અન્ય લોકોમાં સહેજ ગભરાટ અને અફરાતફરીની લાગણી ફેલાઇ ગઇ હતી. જો કે, છેવટે સૌકોઇએ હાશકારો અનુભવ્યો હતો.