રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે વડાપ્રધાન મોદીએ આજે કોંગ્રેસ ઉપર તેજાબી પ્રહાર કર્યા હતા. નેશનલ હેરાલ્ડ અને ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડને લઇને કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ૨૦૧૪માં તેમની સભાઓમાં કેટલીક વાતો સાંભળી હશે. તે વખતે તેઓએ કહ્યું હતું કે, હેલિકોપ્ટર કાંડ થયેલું છે. હજારો કરોડનું કૌભાંડ થયું હતું. દેશમાં વીઆઈપી હેલિકોપ્ટર અને એ પત્ર અંગે તો લોકોને યાદ હશે. મેડમ સોનિયા ગાંધીના એ પત્રની પણ તમામને માહિતી હશે. તમામ ફાઇલો અને કાગળો જુદી જુદી જગ્યાઓએ સંતાડી દેવામં આવ્યા હતા પરંતુ સરકારમાં આવ્યા બાદ અમે સતત કાગળો શોધતા રહ્યા હતા. આખરે એક સફળતા હાથ લાગી હતી. દલાલીનું કામ કરનાર લોકો પૈકી એકને સકંજામાં લઇ લેવામાં આવ્યો છે.
ક્રિશ્ચિયન મિશેલ નામના શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. ભારતના નામદારોના મિત્રોને આ વ્યક્તિ કટકી આપતો હતો. તેમનું ધ્યાન રાખતો હતો. ફરાર હતો. ઇંગ્લેન્ડ નાગરિક બની ગયો હતો. દુબઈમાં રહેતો હતો. હથિયારમાં સોદાગર હતો. હેલિકોપ્ટર વેચવા અને ખરીદવામાં દલાલી કરતો હતો. આજે અખબારોમાં લોકો વાંચી રહ્યા છે કે, ભારત સરકાર તેને દુબઈમાંથી ઉઠાવી લાવી છે. આ રાજદાર અનેક રાજ ખોલશે. કેટલી વાતો કેટલા દૂર સુધી જશે તે બાબત હવે જાણવા મળશે. રાજસ્થાનની સુમેરપુર રેલીમાં મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસના શાસનકાળમાં તમે પણ લુંટો અમે પણ લુટીએની રમત ચાલતી હતી. આજે અખબારોમાં વાંચી રહ્યા છે કે, સુપ્રીમ કોર્ટે એક નિર્ણય લીધો છે. એ સમાચાર આજે આગળ આવી રહ્યા છે. મોદીએ કહ્યું હતું કે, કરોડો રૂપિયાના કૌભાંડ, ઇન્કમટેક્સમાં બનાવટી કંપનીઓના નામ પર કૌભાંડો ચાલતા હતા. તેમની સરકારના સમયે તમામ ફાઇલો બંધ હતી.
માતા અને પુત્રોની ફાઇલો બંધ હતી. જે લખીને આપી દેતા હતા તેના ઉપર જ કામ થતું હતું. તેમની સરકાર આવ્યા બાદ આ તમામ પ્રક્રિયા બંધ થઇ ચુકી છે. આ વ્યવસ્થા હવે બદલાઈ ચુકી છે. આજે આવા લોકોને કોર્ટના ચક્કર લગાવી રહ્યા છે. મોદીએ કહ્યું હતું કે, અગાઉની સરકારના શાસનકાળમાં અનેક રાગ દરબારી થયા હતા જે લોકોએ ત્રણ પેઢી સુધી ખુબ મલાઈ કાધી હતી પરંતુ એક ચા વાળાએ તેમને કોર્ટના દરવાજા સુધી ખેંચી ગયા છે. ઇમાનદારી જીત થઇ છે. આ લોકો હવે જામીન ઉપર બહાર છે. જ્યારે કોઇ વ્યક્તિને જામીન થાય છે અને જ્યારે તે ઘરે આવે છે ત્યારે તેમનું સન્માન કરવામાં આવતું નથી. આવી સ્થિતિમાં આવી જમાનત ઉપર રહેલા લોકોને રાજસ્થાન કોઇ કિંમતે સોંપી શકાય નહીં. ચિદમ્બરમ ઉપર પણ પ્રહાર કરતા કહ્યું હતું કે, એક બીજા ખેલાડી નામદારની સેવા કરવામાં સૌથી આગળ હતા. દેશના નાણામંત્રી અને ગૃહમંત્રી બની ગયા હતા. જે પોતે સુપ્રીમ કોર્ટમાં વકાલાત કરતા હતા પરંતુ મોદીએ એવી રમત રમી કે પાના ખોલી ખોલીને હવે તેમને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. તેમના પુત્ર જેલ ભેગા થઇ ગયા છે. મોદીએ કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, પહેલા ચાર પેઢીનો હિસાબ આપો ત્યારબાદ જ ચાર વર્ષનો ઇતિહાસ અને હિસાબ અમે આપીશું.