ભાજપના હુકમના એક્કા સમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૨૭ અને તા.૨૯ નવેમ્બર એમ બે દિવસ ભાજપના ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાતની મુલાકાતે આવશે. આ બે દિવસ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં વિવિધ સ્થળોએ આઠ જેટલી જાહેરસભાઓ સંબોધશે. પાર્ટીના ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્રભાઇ યાદવે જણાવ્યું હતું કે, કેન્દ્રની મોદી સરકારે ગરીબ કલ્યાણકારી નીતિઓના કારણે વિશ્વભરમાં ગુજરાત અને દેશનું ગૌરવ અને સન્માનનું વાતાવારણ પ્રસ્થાપિત કર્યું છે. સાથે સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબીને દિપાવી છે. ભાજપના ચૂંટણી પ્રચાર અર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૨૭ અને તા.૨૯ નવેમ્બર એમ બે દિવસ
દરમ્યાન ગુજરાતની મુલાકાતે આવશે અને રાજયના વિવિધ સ્થળોએ આઠ જેટલી જાહેરસભા સંબોધશે.
મોદી જે સ્થળોએ જાહેરસભા સંબોધવાના છે તે સ્થળે આસપાસના અન્ય વિધાનસભા ક્ષેત્રોને પણ આવરી લેવાશે. એટલે કે, ત્યાંથી પણ સ્થાનિક લોકો, ગ્રામજનો અને ભાજપના કાર્યકરો-આગેવાનો આ સભાઓમાં જોડાશે. તા.૨૬મીએ સાંજથી ભાજપના સ્ટાર પ્રચારકો રાજનાથસિંહ, અરૂણ જેટલી, સુષ્મા સ્વરાજ, ઉમા ભારતી, શિવરાજસિંહ ચૌહાણ, યોગી આદિત્યનાથ, વસુંધરારાજે, મુખ્યમંત્રી વિજય રૂપાણી, હેમામાલિની, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સહિતના નેતાઓ ગુજરાતભરના વિવિધ જિલ્લા-તાલુકાઓ ઘમરોળશે અને ગુજરાતની પ્રજાને જાહેરસભા સંબોધી ભાજપનો પ્રચાર-પ્રસાર કરશે. ભાજપના પ્રભારી ભૂપેન્દ્રભાઇ યાદવે કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા ગુજરાત વિકાસની હાંસી ઉડાવાય છે કારણ કે, કોંગ્રેસમાં હતાશા છવાઇ ગઇ છે. સોશ્યલ મીડિયાનો કોંગ્રેસ દૂરપયોગ કરી રહી છે. પરંતુ આ વખતે વિકાસવાદ વિરૂધ્ધ વંશવાદ વચ્ચેની લડાઇ છે અને તેમાં વિકાસવાદની જીત થવાની છે. આ એ જ કોંગ્રેસ છે જેણે તેના શાસન દરમ્યાન ૫૦ વર્ષ સુધી નર્મદા યોજના પૂરી થવા દીધી ન હતી. આ પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, પ્રદેશ પ્રવકતા ડો.જગદીશ ભાવસાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.મોદી જુદા જુદા વિસ્તારોમાં પ્રચાર કરનાર છે. પાટીદારોના ગઢમાં પણ પ્રચાર કરનાર છે. મોદી ૨૭મી નવેમ્બરના દિવસે ભુજ, અમરેલી, વાપી અને કામરેજમાં રેલી કરનાર છે. ૨૯મી નવેમ્બરના દિવસે નવસારી, ભરુચ, જુનાગઢ અને ભાવનગરમાં રેલી કરનાર છે. ત્રીજી ડિસેમ્બરના દિવસે મોરબી, સોમનાથના પ્રાચી, પાલિતાણા અને નવસારીમાં પ્રચાર કરશે. ત્યારબાદ ચોથી ડિસેમ્બરના દિવસે રાજ્યના પ્રવાસે આવશે. સમગ્ર કાર્યક્રમની ખાસ વિશેષતા એ છે કે મોદી સૌરાષ્ટ્રમાં ૧૧ રેલી કરનાર છે. દક્ષિણ ગુજરાતમાં ચાર રેલી કરનાર છે. આ તમામ વિસ્તારોમાં પાટીદાર સમુદાયના લોકો સૌથી વધારે રહે છે. દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરતમાં જીએસટીને લઇને મોટા પાયે વિરોધ પ્રદર્શન થયા હતા. વેપારીઓને પોતાની તરફેણમાં કરવામાં ખુબ મુશ્કેલી પડી રહી છે. ગુજરાતમાં છેલ્લા ૨૨ વર્ષથી ભાજપની સરકાર છે. આ વખતે ભાજપને કોંગ્રેસ અને પાટીદાર આંદોલનના કારણે પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતીમાં ભાજપ મોદીની સૌથી વધારે રેલી રહે તેમ ઇચ્છે છે. સામાન્ય રીતે મોદી ૧૦ વિધાનસભા સીટ માટે એક રેલી કરે છે.