ભાવનગર શહેર અને જીલ્લામાં ગુનાખોરીએ માજા મુકી હોય તેમ હત્યા, લૂંટ, ચોરી, ચેઈન સ્નેચીંગ સહિતના બનાવો વધવા પામ્યા છે. ત્યારે આજે તો ગુનાખોરીની હદ વટાવી હોય તેમ વ્યાજખોરોએ પઠાણી ઉધરાણી કરીને પરિવારના મહિલા સહિત સભ્યોને ઘરમાં પુરી ધમકી આપીને બહારથી તાળુ મારી વ્યાજખોરો નાસી છુટયાનો બનાવ બનતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામેલ. જયારે બનાવની જાણ કરાતા તુરંત ડી.ડીવીજન પોલીસ કાફલો ઘટના સ્થળે જઈ તાળુ તોડી પરિવારને મુક્ત કરાવ્યો હતો. અને વ્યાજખોરો સામે ગુનો નોંધી ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
ભાવનગરમાં ગુનાખોરીનો ગ્રાફ દિન પ્રતિદિન વધતો જાય છે. જેમાં આજે વધુ એક પીછુ ઉમેરાયું હોય તેમ શહેરના બોરતળાવ વિસ્તારમાં આવેલ મહાવિર મહિલા સોસાયટીના પ્લોટ નં. ૧૮-એમાં રહેતા અરૂણભાઈ દવેના મકાનમાં બપોરના બારેક વાગ્યાના સમયે અજાણ્યા શખ્સોએ વ્યાજે લીધેલા નાણાની પઠાણી ઉધરાણી કરી, ગાળો આપી, અપહરણ કરવાની ધમકી આપીને પરિવારના મહિલા સભ્યો સહિતને ઘરમાં પુરી બહારથી તાળુ મારી નાસી છુટયા હતાં.
આ બનાવ સંદર્ભે પરિવારના સભ્યોએ દેકારો કરતા તુરંત પોલીસ મથકમાં જાણ કરતા ડી.ડીવીઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તાળુ તોડી પરિવારને મુક્ત કરાવ્યો હતો. આ બનાવ બનતા લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થયા હતાં.
આ બનાવ સંદર્ભે હરસિધ્ધિબેન દિપકભાઈ દવેએ ડી.ડીવીઝન પો.સ્ટે.માં જસમતભાઈ જસકાવાળા, અજયભાઈ ભુદેવ તથા કાળા કલરનો શર્ટ પહેરેલો એક અજાણ્યો શખ્સ સહિત સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરેલ છે. આ ઘટનામાં આરોપીઓ ઘરના દરવાજાને તાળુ મારતા હોય તે સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે ત્યારે ભાવનગરમાં વ્યાજખોરો બેફામ બન્યા છે. અને દાદાગીરી કરી નાણા લેનારા પાસે પઠાણી ઉધરાણી કરીર હ્યા હોવાના બનાવો બની રહ્યા છે ત્યારે આ બનાવ સંદર્ભે ડી.ડીવીઝન પી.આઈ. અગ્રાવત ચલાવી રહ્યા છે.