બિનખેતીની પરવાનગી હવે તાલુકા-જિલ્લા પંચાયત નહિ, કલેકટર આપશે : મહેસુલ મંત્રી

825

ગુજરાત સરકારે શુક્રવારે એક મહત્વનો નિર્ણય લઈને જિલ્લા પંચાયતો પાસે રહેલી બિન ખેતી ની જમીન માટેની પરવાનગી આપવાની સત્તા પાછી ખેંચી લઈ તે સત્તા જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી છે. આ અંગેની સત્તાવાર જાહેરાત મહેસુલ મંત્રી કૌશિક પટેલે કરી હતી. અત્રે મહત્વનું છે કે હાલમાં ગુજરાતની ૩૩ પૈકી માંથી ૨૦ થી ૨૨ જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસે છે. બીજી બાજુ આવો નિર્ણય કરવા પાછળનું કારણ જણાવતાં મહેસુલ મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે સરકાર પાસે જિલ્લા પંચાયતોમાં બિનખેતીની જમીનના સંદર્ભમાં મોટો ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો આવી રહી છે જેને કારણે સરકારે આવો નિર્ણય કર્યો છે. હવે પછી તે માત્ર એક જ સોર્સ એટલે કે જિલ્લા કલેકટર પાસે જ બિનખેતીની પરવાનગી આપવાની સત્તા રહેશે, આવો નિર્ણય લેવા પાછળ કોઈ રાજકીય કારણ નથી. મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું છે કે, લોકોને ઝડપી ન્યાય મળે તે માટે રાજ્ય સરકારે પારદર્શક અને સરળતાથી અનેકવિધ નિર્ણયો કર્યા છે. જેના ભાગરૂપે રાજ્યભરમાં શહેરી વિસ્તારોમાં બિનખેતીની પરવાનગીઓ ઓનલાઈન આપવાની શરૂઆત રાજ્ય સરકારે કરી છે. શહેરી વિસ્તારોમાં આ પ્રક્રિયાની સફળતાને ધ્યાને લઈને હવે ગ્રામ્ય સ્તરે પણ બિનખેતીની પરવાનગીઓ ઓનલાઈન આપવાનો ઐતિહાસિક નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. જેનો આજથી રાજ્યભરમાં અમલ થશે.

મંત્રી પટેલે ઉમેર્યુ કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજ્ય સરકાર સમક્ષ બિનખેતી પરવાનગીઓમાં મંજુરીઓ સંદર્ભે અવરોધો દુર થાય, પ્રક્રિયા સરળ બને તે માટે ગ્રામ્ય વિસ્તારના નાગરીકો દ્વારા રજુઆતો મળી હતી. શહેરી વિસ્તારોમાં બિનખેતીની પ્રક્રિયાને રાજ્યવ્યાપી ઓનલાઈન કરતા સમગ્ર પ્રક્રિયા ઝડપી, ન્યાયી અને પારદર્શી બની હતી. જેને ધ્યાને લઈ રાજ્ય સરકારે ગ્રામ્યકક્ષાએ પણ આ પ્રક્રિયા અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે. ગ્રામ્યકક્ષાએ પણ પ્રક્રિયા ઓનલાઈન થતા અને સરળ બનતા નાગરીકોને સમયની બચત અને ઝડપ આવશે તેમજ પ્રક્રિયા વધુ સરળ બનશે.

પરિણામે રાજ્યની વિકાસયાત્રા વધુ વેગવાન બનશે. ગ્રામ્ય વિસ્તારોમાં બિનખેતી પરવાનગીની પ્રક્રિયા પારદર્શક રીતે અને કોઈપણ જાતના ભેદભાદ વિના તથા એક જ કચેરીએથી થાય અને એકસૂત્રતા જળવાય તેવા શુભ આશયથી હાલ ગ્રામ્ય વિસ્તારો માટે બિનખેતીની પરવાનગી તાલુકા-જિલ્લા પંચાયત કક્ષાએ કરવામાં આવતી હતી તે હવે સંબંધિત જિલ્લા કલેકટરશ્રીઓ દ્વારા કરવામાં આવશે.

રાજ્ય સરકારે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને મહેસૂલ વિભાગમાં અનેકવિધ નવા આયામો હાથ ધર્યા છે ત્યારે આ પ્રક્રિયા પણ ખુબ જ અસરકારક નિવડશે. અરજદારોને બિનખેતી પરવાનગી નિયત સમયમર્યાદામાં મળી શકે તે માટે સમગ્ર પ્રક્રિયાને ડીઝીટાઈઝેશન કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ પ્રક્રિયા આજથી અમલી બનતા, ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા-તાલુકા પંચાયતોમાં જે કેસોમાં આખરી નિર્ણય કરાયો હોય તે સિવાયના તમામ પડતર કેસોમાં હવે સંબંધિત જિલ્લાના કલેકટરઓ દ્વારા નિર્ણય કરવામાં આવશે.

Previous articleઅમેરિકા બાદ બ્રિટન પણ વાઈબ્રન્ટ સમિટમાં પાર્ટનર નહી બને
Next article૨૦૧૯ની તૈયારીઓ : બેઠકોનો ધમધમાટ શરૂ, સૌરાષ્ટ્ર સર કરવાની વ્યૂહરચના ઘડાઇ