શહેરના કુંભારવાડા નારી રોડ પર છેલ્લા એક વર્ષથી પાણી-ગટર લાઈન માટે ખોદકામની કામગીરી ગોકળગતીએ ચાલતી હોય વિસ્તારના રહીશો અને વેપારીઓ તેમજ વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્્યા છે. અને સત્વરે યોગ્ય કામગીરી કરી લોકોને રસ્તાના ખાડાના ત્રાસમાંથી મુકત કરાવવા માંગણી ઉઠવા પામી છે.
શહેરના કુંભારવાડા, નારી રોડ, શીતળા માતાની દેરી વાળા રોડ ઉપર પાણી અને ગટર લાઈન માટે રસ્તા ઉપર ખોદકામ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા એક વર્ષથી આડેધડ ખોદકામ કરાઈ રહ્યું હોય સ્થાનિક લોકોને તેમજ વેપારીઓને અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સ્થાનિક રહિશો અને ચૂંટાયેલા નગરસેવકોમાં પણ રોષ ફેલાયો છે.
તંત્ર દ્વારા પ્લાન-નકસાન મુજબ કામગીરી કરવાના બદલે કોન્ટ્રાકટરો દ્વારા આડેધડ ખોદકામ કરી લોકોને મુશ્કેલીમાં મુકવા ઉપર પબ્લીકના નાણાનો બગાડ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે લોકોની સહન શક્તિનો અંત આવી રહ્યો હોય વહેલી તકે કોર્પોરેશન દ્વારા પાણી ગટરની લાઈનોની કામગીરી પુર્ણ કરી રોડ બનાવવા લોક માંગ ઉઠવા પામી છે.