ઇડી રેડઃ વાડ્રા બાદ કોંગી નેતા જગદીશ શર્માના ઘરે દરોડા

611

ઈડીએ ગઈ રાતે ગાંધી પરિવારના જમાઈ રોબર્ટ વાડ્રાની દિલ્હીમાં આવેલી ઓફિસ પર દરોડા પાડ્યા પછી શનિવારે કોંગ્રેસના એક નેતા જગદીશ શર્માના ઘરે પણ દરોડા પાડ્યા છે. જગદીશ શર્માને રોબર્ટ વાડ્રાના ખાસ માનવામાં આવે છે. તેથી જ જગદીશ શર્માના ઘરે થયેલા દરોડાને પણ વાડ્રા કેસ સાથે જોડવામાં આવી રહ્યો છે. શુક્રવારે અને શનિવારે દિલ્હી અને બેંગલુરુમાં રોબર્ટ વાડ્રાના અન્ય ઘણાં સંબંધીઓના ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા હતા.

જગદીશ શર્માના ઘરે દરોડા દરમિયાન અમુક દસ્તાવેજ અને સામાન જપ્ત કરવામાં આવ્યા છે. ત્યારપછી ઈડીના ઓફિસર જગદીશ શર્માને પૂછપરછ માટે તેમની સાથે લઈ ગઈ હતી. આ વિશે ખુદ જગદીશ શર્માએ જ ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે, ઈડી મને પૂછપરછ માટે તેમની ઓફિસ લઈ જઈ રહી છે.

ઈડીએ શુક્રવારે યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ અને બિઝનેસમેન રોબર્ટ વાડ્રાની અમુક ઓફિસ ઉપર દરોડા પાડ્યા હતા. ઈડીની આ કાર્યવાહી ૧૬ કલાક ચાલી હતી. આ દરોડા રક્ષા સોદામાં અમુક લોકો પાસેથી કથિત રીતે લાંચ લેવાના સંદર્ભમાં પાડવામાં આવ્યા હતા.

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, મોદી સરકારના દિવસો હવે પૂરા થઈ ગયા છે. વડાપ્રધાન મોદી તધલક અને યોગી આદિત્યનાથ ઔરંગઝેબ જેવો વ્યવહાર કરે છે.

નિરંકુશ બાદશાહ પર બાદશાહી એવી ચઢી છે કે તેઓ નિયમ-કાયદો-બંધારણ બધુ પગ નીચે કચડી રહ્યા છે. તેઓ તેમની નક્કી થયેલી હારથી લોકોનું ધ્યાન ભટકાવી રહ્યા છે. તેથી તેઓ આ મંત્ર પર ચાલી રહ્યા છે કે, રેડ કરાવો અને હારથી ધ્યાન ડાયવર્ટ કરો.

Previous articleમહાનગરપાલિકા દ્વારા ભીના કચરાની પ્રોસેસ માટે છ નવા  મશીન ખરીદાશે
Next articleશરદ યાદવે વસુંધરા રાજે વિશે કરેલી ટિપ્પણી બદલ ખેદ વ્યક્ત કર્યો