ભાજપાના પ્રદેશ પ્રવક્તા આઇ. કે. જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાતમાં ઇલેક્શન ટુરિઝમ માટે આવતા કોંગ્રેસના યુવરાજ અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી કોંગ્રેસની જુઠ્ઠી અને વિકાસ વિરોધી, ગુજરાત વિરોધી કોંગ્રેસી ટોળકીનો શિકાર બની ગુજરાતની વાસ્તવિક સ્થિતિ વિરોધી વિધાનો કરીને જુઠ્ઠા વિધાનો ઉચ્ચારી રહ્યાં છે, તેની ભાજપા કડક શબ્દોમાં નિંદા કરે છે. ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે ગુજરાતને અન્યાય કેમ કર્યો ? ને સાંકળીને પૂછેલાં પાંચ પ્રશ્નોના જવાબ આપવાની માંગણી કરે છે.
રાહુલ ગાંધી પોરબંદરમાં ૧૦ લાખ યુવાનો બેરોજગાર છે ? તેવી વાત કરે છે. સાણંદમાં ૩૦ લાખની વાત કરે છે ? નિકોલમાં ૫૦ લાખની વાત કરે છે ? કોંગ્રેસના ઉપાધ્યક્ષ બેરોજગારોને પેદા કરવાની જાણે ફેક્ટરી ધરાવતાં હોય તેમ તેમના પ્રવચનમાં ઉઠાવતા પ્રશ્નો પરથી લાગે છે. સમગ્ર દેશમાં રોજગારી સર્જનમાં યુ. પી. એ. ના શાસન સમયથી અનેક વાર એવોર્ડ દ્વારા સિધ્ધ થયું છે કે, ગુજરાત રોજગાર સર્જનમાં પ્રથમ છે.
ગુજરાતની પારદર્શક વિજયભાઇ રૂપાણી સરકારે ૬૬,૦૦૦ યુવાનોને સરકારમાં, ૫ લાખથી વધુ યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગાર મેળા દ્વારા, મહિલા રોજગાર મેળા દ્વારા મહિલાઓને પણ રોજગારી આપી છે. સમગ્ર દેશમાથી યુવાનો રોજગારી માટે, ઉધોગકારો ઉધોગો સ્થાપવા માટે ગુજરાત આવે છે તે સાચી વાત પણ કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીને કહેતાં નથી. રાહુલ ગાંધી જુઠ્ઠા છે, તે હકીકત પુરવાર કરે છે.
તેઓએ વધુમાં જણાવ્યું છે કે, ગુજરાતના યુવાનોને વારંવાર ગુજરાત આવીને “બેરોજગાર” તરીકે ઉલ્લેખ કરી યુવાનોની મશ્કરી કરનાર રાહુલ ગાંધી યુવાનોની રોજગારી માટે તમે શું કર્યું છે તેનો હિસાબ ગુજરાતને પ્રથમ આપો. ગુજરાતના યુવાનોને નિરૂત્સાહ કરવાથી દૂર રહો અને ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો.