દહેગામ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે વર્તમાન ધારાસભ્ય કામિનીબા રાઠોડનું નામ લગભગ નિશ્ચિત મનાય છે. જયારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકેના નામ માટે સસ્પેન્શન હતુ અને વિવિધ પ્રકારની અટકળો થઇ રહી હતી. ભાજપ તરફથી ટિકિટ માટે દાવેદારી કરનારા રોહિત ઠાકોરને કાપીને ભાજપે પૂર્વ ધારાસભ્ય કલ્યાણસિંહ ચૌહાણના પુત્ર અને તાલુકા ભાજપ પ્રમુખ બલરાજસિંહ ચૌહાણના નામની જાહેરાત કરતા સ્થાનિક સંગઠન અને કાર્યકરોએ ઢોલ ત્રાંસા વગાડી ફુલહાર અને અબિલ ગુલાલની છાંળો ઉડાડી ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
દહેગામ બેઠક પર ચૂંટણી લડવા આંબલી બોપલના રોહિતજી ઠાકોરે તૈયારીઓ કરી હતી. તેમણે સ્થાનિક તરીકેની પોતાની છાપ ઉભી કરવા શહેરમાં બંગલો ખરીદી મતદાન યાદીમાં નામ દાખલ કરાવ્યુ હતુ અને પોતાને જ ટિકીટ મળશે તેવી દાવેદારી તથા આશા સાથે વિવિધ કાર્યક્રમો યોજી રહ્યા હતા. રોહિતજી સ્થાનિક નહી હોવાથી તેમની સામે વિરોધના સૂરો પણ ઉઠયા હતા. સ્થાનિક દાવેદારો ભાજપ સંગઠન સ્થાનિકને જ ટિકીટ મળે તેવું ઇચ્છતા હતા.ભાજપે પાલુન્દ્રાના વતની અને પૂર્વ ધારાસભ્ય કલ્યાણસિંહ ચૌહાણના પુત્ર તાલુકા ભાજપ પ્રમુખ અને વ્યવસાયે એડવોકેટ એવા બલરાજસિંહના નામની જાહેરાત કરતા સ્થાનિક કાર્યકરો ખુશીથી ઝુમી ઉઠયા હતા.દહેગામ બેઠક માટે ભાજપમાંથી ટિકીટ માટે મજબુત દાવેદારી કરનાર રોહિતજીનુ નામ જાહેર ન થતાં તેમના ટેકેદારોએ રોહિતજીના દહેગામ ખાતેના નિવાસ સ્થાને ઉમટયા હતા અને રોહિતજીને ટિકીટ મળે તે માટેના ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા. જોકે આ અંગે રોહિતજી ઠાકોર તરફથી કોઇપણ પ્રકારની પ્રતિક્રિયા જાણી શકાઇ ન હતી.