શનિવારે જિલ્લા પોલીસ હેડકર્વાટર ખાતે ફરજ બજાવતા પીએસઆઇ ખરાડીનો નશાની ધૂત હાલતમાં શામળાજી હાઇવે પરનો વિડિયો વાઇરલ થતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી. હાઇવે પર વાહનોના કાચ તોડી ચાલકોની સાથે જીભાજોડી કરતાં લોકોએ પીએસઆઇને મેથીપાક ચખાડતાં પોલીસકર્મી લોહી લુહાણ હાલતમાં વિડિયોમાં જણાતાં પોલીસ વડાએ નશામાં ધૂત દેખાતાં પીએસઆઇને આખરે સસ્પેન્ડ કરાતાં પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
શામળાજી હાઇવે પર શુક્રવારની રાત્રિ દરમિયાન જિલ્લામાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતાં પોલીસ કર્મી નશામાં ધૂત થઇને હાઇવે પર વાહન ચાલકો સાથે જીભા જોડી કરતાં લોકોએ તેનો વિડિયો ઉતારી લીધો હતો. દારૂ પી ને છાકટા બનેલા આ પીએસઆઇ એ.જે.ખરાડીએ વાહનોના કાચની તોડ-ફોડ કરી ડ્રાઇવરોની સાથે મારામારી કરી હતી.
આ પીએસઆઇ શામળાજી વિસ્તારના સ્થાનિક હોવાના કારણે હાઇવે લોકો સાથે દાદાગીરી કરતાં લોકોએ પીએસઆઇને મેથી પાક ચખાડતાં પીએસઆઇ વિડિયોમાં લોહી લુહાણ હાલતમાં દેખાયા હતા.આ અંગે ડીવાયએસપી કણઝારીયાનો સંપર્ક કરતાં તેઓ રજા ઉપર હોવાનું જણાવ્યું હતું. જ્યારે ડીવાયએસપી ફાલ્ગુનીબેન પટેલ સમગ્ર મામલે અજાણ હોવાનું જણાવ્યું હતું.