જમ્મુ કાશ્મીરમાં આજે સુરક્ષા દળોને વધુ એક મોટી સફળતા હાથ લાગી હતી. પાટનગર શ્રીનગરના બહારના વિસ્તારમાં મૂંજ ગુડમાં ત્રાસવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભીષણ અથડામણ થઇ હતી જેમાં ત્રણ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ લશ્કરે તોઇબાના હતા. હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ અથડામણ શનિવારના દિવસે શરૂ થઇ હતી અને આજ સુધી ચાલી હતી. શનિવારના દિવસે સુરક્ષા દળોને ગુપ્ત માહિતી મળી હતી ત્યારબાદ મુંજગુડમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષા દળો નજીક પહોંચતા ત્રાસવાદીઓએ ગોળીબાર કરવાની શરૂઆત કરી હતી. આ ગાળા દરમિયાન આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભીષણ અથડામણની શરૂઆત થઇ હતી જેમાં પાંચ જવાન ઘાયલ થયા હતા. રાત્રિ ગાળામાં ગોળીબાર બંધ કરી દેવામાં આવ્યો હતો પરંતુ આજે સવાર પડતાની સાથે જ ફરીથી ઓપરેશનની શરૂઆત થઇ હતી. સુરક્ષા દળોએ ત્યારબાદ ત્રણ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ કાર્યવાહીને ધ્યાનમાં લઇને પાટનગર શ્રીનગરમાં ઇન્ટરનેટ સેવાને બંધ કરી દેવામાં આવી હતી.
સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઇને શોધખોળ કામગીરી હાથ ધરી હતી. વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. તમામ પાંચ સુરક્ષા કર્મીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ હજુ સુધી કરવામાં આવી નથી.
ઠાર કરવામાં આવેલા ત્રાસવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ત્રાસવાદીઓ તોઇબાના હોવાના અહેવાલને સંપૂર્ણ સમર્થન મળી ચુક્યું છે.