ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની તા.૧૪મી ડિસેમ્બરે યોજાનારી ઉત્તર અને મધ્ય ગુજરાતના ૧૪ જિલ્લાની ૯૩ બેઠકોની ચૂંટણીમાં શુક્રવાર સાંજ સુધીમાં વધુ ૧૯૧ ફોર્મ ભરાતા કુલ ૩૧૫ ઉમેદવારી ફોર્મ ભરાયા છે.શનિવારે અને રવિવારે જાહેર રજા હોવાથી હવે તા. ૨૭મીને સોમવારે ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ છે.
કોંગ્રેસ અને ભાજપના જે બેઠકોના ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. તે આજે મોડી રાત્રે અથવા રવિવારે બપોર સુધીમાં ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવશે. ગુજરાતમાં આગામી ડિસેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાના ઉમેદવારીપત્રો ભરવાની તા. ૨૭ નવેમ્બર અંતિમ દિવસ છે. સોમવારે કોંગ્રેસના ૯૩ ઉમેદવારો પોતાના ઉમેદવારીપત્રો ભરશે તો બીજી તરફ ભાજપના બાકીના ઉમેદવારો પણ આ અંતિમ દિવસે પોતાના ઉમેદવારોપત્રો ભરી દેશે.
બીજા તબક્કાની ૯૩ બેઠકો માટે ઉમેદવારીપત્રો ભરવા આવનારના ધસારાને પહોંચી વળવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ઉમેદવારોને તેમના આગમનના ક્રમ પ્રમાણે ટોકન આપવામાં આવશે. જેનો નંબર આવે તેના ફોર્મ ભરાશે. જેથી કરીને ઓફિસ ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને વહીવટીય પ્રકિયા ખુબ જ સરળતાથી થઇ શકે. આ માટે કલેકટર કચેરી ખાતે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બે જ હરીફ પક્ષો છે પણ નાના નાના એક ડઝન જેટલા પક્ષોના ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.ઉપરાંત અપક્ષ ઉમેદવારોની પણ વણઝાર છે.આ ઉમેદવારો ભાજપ-કોંગ્રેસ માટે હારજીતનું કારણ બનશે. ભાજપ-કૉંગ્રેસ સિવાય જે નાના રાજકીય પક્ષો ચૂંટણીજંગમાં ઊતર્યા છે, એમાં બહુજન સમાજ પાર્ટી, ઓલ ઈન્ડીયા હિન્દુસ્તાન પાર્ટી, આમ આદમી પાર્ટી, લોક વિકાસ મંચ, ભારતિય સામાજિક પાર્ટી, રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટી, લોકશાહી પાર્ટી (સેક્યુલર), નવિન ભારત નિર્માણ મંચ, ભારતિય રાષ્ટ્રવાદી પક્ષ, રિયલ ડેમોક્રેટિક પાર્ટી, લોકગંઠન પાર્ટી અને શિવસેનાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત અપક્ષ ઉમેદવારોની પણ ફોજ ઊભી થઈ છે. આ બધા ઉમેદવારો ભાજપ-કૉંગ્રેસ માટે હાર જીતનું કારણ બનશે. ગુજરાતના રાજકારણમાં ભાજપ કોંગ્રેસ સિવાય ત્રીજા પક્ષને સફળતા મળી નથી.