સિહોરમાં દિન-પ્રતિદિન ચોરીના બનાવો વધતા જાય છે. ધોળા દિવસે જ પોલીસ તંત્રના નાક નીચેથી બંધ મકાનોમાં ચોરી કરી તસ્કરો ફરાર થઈ જાય છે ત્યારે પોલીસ તંત્ર હાથ ઉપર હાથ ધરી ચોરીના બનાવોનો તમાશો જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. સિહોરના અલકાપુરી સોસાયટીમાં રહેતા રમેશભાઈ પ્રવીણભાઈ ગૌસ્વામી પોતાના પરિવાર સાથે અમરેલીના કાંકરા ગામે લગ્નપ્રસંગે ગયેલ હતા.આ અરસા દરમ્યાન બંધ મકાનમાં અજાણ્યો શખ્સોએ પ્રવેશી તાળા તોડી ચોરી કરી હતી. બંધ મકાનમાં વેરવિખેર કરી સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂપિયા દોઢ લાખની ચોરી કરી નાસી છૂટ્યા હતા.આ બનાવ અંગેની જાણ સિહોર પોલીસ માં થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.વધતા જતા ગુનાઓને ડામવા કોઈ સક્ષમ પોલિસ અધિકારીની માંગ ઉઠવા પામી છે.