આદર્શ ક્રેડિટ સોસા.ફડચામાં, સેંકડો નાની ક્રેડિટ સોસાયટીઓનો પણ મૃત્યુઘંટ વાગશે

1076

૮૪૦૦ કરોડના આદર્શ ક્રેડિટ સોસાયટી કૌભાંડને કારણે નાના રોકાણકારો અને ૫૦૦થી વધુ નાની ક્રેડિટ સોસાયટી ફડચામાં જશે. અમદાવાદ સહિત દેશના અનેક શહેરોમાં આદર્શ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી દ્વારા લોકો પાસે જુદી જુદી સ્કીમ હેઠળ કરોડો રૂપિયાનું રોકાણ કરાવવામાં આવ્યું છે. આ રોકાણના પૈસા કૌભાંડી મુકેશ મોદી અને અન્ય લોકોએ તેમના સગા અને મળતીયાઓને આપેલા ધિરાણોને કારણે લાખો લોકોના કરોડો રૂપિયા ફસાયા છે.

આદર્શ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીમાં માં રૂા.૧ કરોડથી વધુની થાપણ મૂકનારા માત્ર નવ જ વ્યક્તિઓ છે. જ્યારે તેમની કુલ થાપણો રૂા.૩૩૦.૦૯ કરોડની છે. તેમજ રૂા. ૨૫ લાખથી વધુની થાપણ મૂકનારાઓની સંખ્યા માત્ર ૧૨૫ છે. આમ તેમની કુલ થાપણો રૂા. ૩૭૬.૪૭ કરોડની છે. જેને ધ્યાનમાં લેતાં સોસાયટી સાથે સંકળાયેલા નાના થાપણદારોની થાપણો સામે મોટું જોખમ ઉભું થયું છે. ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની ટીમે આ કૌભાંડ અંગે તપાસ શરૂ કરી છે અને જે રોકાણકારોના પૈસા પાકતી મુદતે નથી મળ્યા તેમને છેતરપીંડી બાબતે ફરિયાદ કરવા સીઆઈડી ક્રાઈમ ઓફિસ, સહયોગ સંકુલ, ગાંધીનગર ખાતેની ઓફિસનો સંપર્ક કરવા જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આદર્શ ક્રેડિટ સોસાયટીના સંચાલક મુકેશ મોદીએ તેમના ભાઈ વીરેન્દ્ર મોદી, ભરત મોદી, પત્ની મીનાક્ષી મોદી, પુત્રી પ્રિયંકા મોદી, જમાઈ વૈભવ લોઢા, ભત્રીજા રાહુલ મોદી, સમીર મોદી, રોહિત મોદી, તેમજ અન્ય સગાંઓના નામે લોન લઈ નાણાંની ઉચાપત કરી હતી.

Previous articleવાઇબ્રન્ટ સમિટ ૨૦૧૯ની તડામાર તૈયારીઓ  : રોડ રીસર્ફેશ કરાશે
Next articleઆગામી વાઈબ્રન્ટમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા વિશિષ્ટ પ્રદર્શન યોજાશે