તેલંગણાના મુખ્યપ્રધાન તરીકે ટીઆરએસ પ્રમુખ કે ચન્દ્રશેખર રાવની આજે તાજપોશી કરવામાં આવી હતી. સાતમી ડિસેમ્બરના દિવસે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં તેમના નેતૃત્વમાં પાર્ટીએ રેકોર્ડ જીત મેળવી હતી.સતત બીજી વખત તેઓ મુખ્યપ્રધાન બન્યા છે. આજે રાવને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. હૈદરાબાદ ખાતે રાજભવન ખાતે આયજિત સાદા કાર્યક્રમમાં રાજ્યપાલ એલ. નરસિંહમને તેમને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. રાવની સાથે પાર્ટીના એમએલસી મોહમ્મદ અલીએ પણ પ્રધાન તરીકે શપથ લીધા હતા. અગાઉની ટીઆરએસ સરકારમાં તેઓ નાયબ મુખ્યપ્રધાન હતા. કેસીઆરે મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા ત્યારે કેટલાક અગ્રણી લોકો હાજર રહ્યા હતા. વિધાનસભા ચૂંટણીમાં કેસીઆરના નેતૃત્વમાં પાર્ટીએ ભવ્ય દેખાવ કર્યો હતો.તેલંગાણામાં ટીઆરએસે મજબૂત બહુમતિ હાંસલ કરી હતી. સત્તા પક્ષ ટીઆરએસ દ્વારા વહેલીતકે ચૂંટણી યોજવાના પાસાને સફળતા મળી હતી.
કુલ ૧૧૯ સીટો પૈકી ટીઆરએસે મોટાભાગની સીટો જીતી હતી. ટીઆરએસે ૮૮ સીટો મેળવી હતી. ચંદ્રશેખર રાવે નિર્ધારિત સમય કરતા પહેલા ચૂંટણી યોજવા માટેની માંગ કરીને પાસુ ફેંક્યું હતું. ચંદ્રશેખર રાવ અસલી હિરો તરીકે સાબિત થયા હતા.તેમની પાર્ટીએ સપાટો બોલાવ્યો હતો. બે તૃતિયાંશ બહુમતિ મેળવી લીધી હતી. આની સાથે જ તેલંગાણામાં સત્તામાં વાપસી કરવાના પ્રયાસમાં રહેલા કોંગ્રેસ અને ટીડીપીના ગઠબંધનના ઇરાદા પર પાણી ફેરવી દીધું હતું. કોંગ્રેસ અને ટીડીપી ગઠબંધનને ખુબ ઓછી સીટો મળી હતી.શપથવિધી કાર્યક્રમમાં રાવના પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે નોંધનીય છે કે કેસીઆરે અગાઉની અવધિમાં બીજી જુન ૨૦૧૪ના દિવસે મુખ્યપ્રધાન તરીકેના શપથ લીધા હતા. એ વખતે તેમની સાથે નવ પ્રધાનોએ શપથ લીધા હતા. રાવની તેલંગાણામાં અભૂતપૂર્વ લોકપ્રિયતા રહેલી છે.