ફાર્મસીના વિદ્યાર્થીઓએ નોકરી કરતા નથી તેવું સોગંદનામું આપવું પડશે

582

ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ)એ આગામી ર૦ ડિસેમ્બર સુધીમાં રાજ્યની તમામ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને સોગંદનામું રજૂ કરવા આદેશ કર્યો છે. માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, કોલેજમાં ભણાવતા પ્રોફેસરોએ પણ તેમનું સોગંદનામું રજૂ કરવું ફરજિયાત કરાયું છે.

જીટીયુએ ફાર્મસીના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને નોંધણી પ્રમાણપત્ર અને નોકરીના મુદ્દે એફિડેવિટ કરવા આદેશ કર્યો છે. આદેશમાં જણાવ્યા અનુસાર ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ફાર્મસીના વિદ્યાર્થીઓ અને કોલેજના પ્રોફેસર-ફેકલ્ટી માટે એક ચોક્કસ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી. આ અનુસાર ફાર્મસી નોંધણી પ્રમાણપત્રનો દુરુપયોગ ટાળવા તેમજ તેના પર અંકુશ મૂકવા માટે બીફાર્મ, એમફાર્મ અને પીએચડીના વિદ્યાર્થીઓ તેમજ કોલેજમાં ફરજ બજાવતા પ્રોફેસર સહિતની ફેકલ્ટીઓએ સોગંદનામું રજૂ કરવું પડશે. વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ આ માટે ર૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું રજૂ કરવું પડશે. આ સોગંદનામામાં લખવું પડશે કે તેઓ અભ્યાસ દરમિયાન કે પછી કોલેજ સાથે રેગ્યુલર નોકરી દરમિયાન ફાર્મસી નોંધણી પ્રમાણપત્રનો દુરુપયોગ કરશે નહીં તેમજ ચાલુ અભ્યાસ દરમ્યાન કે કોલેજમાં નોકરી દરમિયાન કે ક્યાંય નોકરી કરશે નહીં.

આદેશ-પરિપત્રમાં એમ પણ જણાવ્યું છે કે જો કોઇ વિદ્યાર્થી કે પ્રોફેસર સોગંદનામાનો ભંગ કરતો જણાશે તો તેની ટર્મ રદ કરવામાં આવશે. ફાર્માસિસ્ટ તરીકે રજિસ્ટર્ડ થયેલા તમામ વિદ્યાર્થી માટે સોગંદનામું ફરજિયાત છે. ફાર્માસિસ્ટ ન હોય તો પણ એમફાર્મના દરેક વિદ્યાર્થીને પણ આ નિયમ લાગુ પડશે. આ નિર્ણયના કારણે મેડિકલ સ્ટોર્સ પર મનફાવે તેમ ફાર્મસી નોંધણી પ્રમાણપત્રના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે થતાં ચેડાં અટકશે તેવું જીટીયુનાં સૂત્રોએ જણાવ્યું હતું.

Previous articleભરવાડ સમાજે યુવાનોને ૩૦૦ પીક-અપ વાન અને કાર
Next articleઆયુર્વેદથી દેશને વિશ્વગુરૂ બનાવવા રૂપાણીની અપીલ