ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ એનસીએસટીસી દ્વારા રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદનું આયોજન વિવિધ સ્તરે કરવામાં આવે છે. વર્ષ ર૦૧૬ અને ર૦૧૭ માટે મુખ્ય વિષય ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનીકરણ છે. ગુજરાત રાજ્યમાં આ પ્રવૃત્તિનું સંચાલન ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ), ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે.
ભાવનગર જિલ્લામાં કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા જિલ્લાકક્ષાની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ-ર૦૧૭નું આયોજન તા.૧૧ નવેમ્બર ર૦૧૭ના રોજ મહાવીર જૈન ચારિત્ર્ય કલ્યાણ રત્નાશ્રમ, સોનગઢ સિહોર ખાતે કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદના જિલ્લાકક્ષાના અધિવેશનમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા કુલ ૩૯ લઘુ સંશોધનો રજૂ કરવામાં આવેલ. આ સંશોધનાત્મક સ્પર્ધામાં સીદાતર ન્યુઝ, ભોગેસરા મનિષા, પઠાણ સાનિયા, ગોરસિયા બંસી, ગાલા સાગર, દવે આર્યન, ગીલાતર હેતલ, સુથાર મહેન્દ્ર, ગાલા દર્શન, દોશી કેનીલ અને દિવ્યાંગ બાળકોમાં ફોરમ જોશીના સંશોધન પસંદગી પામ્યા હતા. પસંદગી પામેલ સંશોધનો તા.ર૪ અને રપમી નવેમ્બર, ર૦૧૭ દરમ્યાન ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતે ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરેલ.
રાજ્યસ્તરની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદમાં ગુજરાત રાજ્યના ૩૩ જિલ્લામાંથી કુલ ૩૬૩ લઘુ સંશોધનોની રજૂઆત થયેલ. આ ૩૬૩ સંશોધનો પૈકી શ્રેષ્ઠ ર૬ સંશોધનો રાષ્ટ્રીય કક્ષા માટે પસંદગી પામેલ. જેમાં ભાવનગર જિલ્લાના નાઝ સીદાતર, દર્શન ગાલા અને દિવ્યાંગ બાળકોમાં ફોરમ જોશીના સંશોધનોનો સમાવેશ થયેલ છે. જેઓ આગામી તા.ર૭ થી ૩૧ ડિસેમ્બર, ર૦૧૭ દરમ્યાન ગુજરાત સાયન્સ સીટી, અમદાવાદ ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. પસંદગી પામેલ ભાવનગર જિલ્લાના ત્રણેય વિદ્યાર્થીઓ તથા તેમના શિક્ષક નિકેતાબેન આચાર્ય, અવિનાશભાઈ દવે અને નીલાબા ગોહિલને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગરના સલાહકાર ડો.નરોત્તમ સાહુ, કલ્યાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ભાવનગરના પ્રમુખ પરેશભાઈ ત્રિવેદી અને ચેરમેન ભાવેશભાઈ ભરાડ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવેલ.