પર્થ ખાતે રમાઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના આજે બીજા દિવસે આ ટેસ્ટ મેચ રોમાંચક તબક્કામાં પ્રવેશી ગઈ હતી. ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવમાં ૩૨૬ રન ઓલઆઉટના જવાબમાં ભારતે આજે રમત બંધ રહી ત્યારે પ્રથમ દાવમાં ત્રણ વિકેટ ગુમાવીને ૧૭૨ રન કર્યા હતા. ભારતીય ટીમ હજુ ૧૫૪ રન પાછળ છે અને તેની સાત વિકેટ હાથમાં છે. તે જોતા આ ટેસ્ટ મેચમાં પણ ભારતની આશા ઉજળી દેખાઈ રહી છે. આજે રમત બંધ રહી ત્યારે કેપ્ટન વિરાટ કોહલી ૮૨ રન સાથે રમતમાં હતો. તે વધુ એક સદી તરફ આગળ વધી રહ્યો છે. જ્યારે રહાણે ૫૧ રન સાથે રમતમાં હતો. વિરાટ કોહલી નવ ચોગ્ગા સાથે ૮૨ રન કરી ચુક્યો છે. પ્રથમ ટેસ્ટમાં નિષ્ફળ રહ્યા બાદ બીજી ટેસ્ટ મેચમાં તે શાનદાર ફોર્મમાં રહ્યો હતો. જોકે આજે ભારતીય ટીમે તેના પ્રથમ દાવની કંગાળ શરૂઆત કરી હતી. મુરલી વિજય શૂન્ય રને આઉટ થયો હતો. જ્યારે રાહુલ પણ બે રન જ કરી શક્યો હતો. પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારનાર પૂજારા ૨૪ રન કરીને આઉટ થયો હતો. પર્થ ખાતે રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચના આજે બીજા દિવસે સવારે ઓસ્ટ્રેલિયાની ટીમ તેના પ્રથમ દાવમાં ૩૨૬ રન ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી ઇશાંત શર્માએ સૌથી વધારે ચાર વિકેટ ઝડપી હતી. આજે મેચના બીજા દિવસે યજમાન ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો વધારે સમય સુધી સંઘર્ષ કરી શક્યા ન હતા. ગઇકાલના સ્કોરમાં ઓછા રન ઉમેરી શક્યા હતા. પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ છ વિકેટે ૨૭૭ રન બનાવ્યા હતા. આજે આ સ્કોરથી આગળ રમતા ઓસ્ટ્રેલિયાની ટીમ ૩૨૬ રન કરીને આઉટ થઇ ગઇ હતી. ગઇકાલે મેચના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયન ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.