મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે હાલ આંતરકોલેજ ખેલ સ્પર્ધા ચાલી રહી છે. જેમાં આજે સવારે ૯ કલાકે કબડ્ડી મેચનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ યુનિ. સત્તાવાળાઓની ગંભીર બેદરકારીને લઈને મુખ્ય કોચ હાજર ન થતા બપોરના ૧ર વાગ્યા સુધી ટુર્નામેન્ટ શરૂ થઈ ન હતી. જેને લઈને ખેલાડીઓમાં ભારે રોષ વ્યાપ્યો હતો. એમ.કે. ભાવનગર યુનિ.માં છેલ્લા ર વર્ષથી શારીરિક શિક્ષણ નિયામકની જગ્યા ખાલી છે અને ઈન્ચાર્જ દ્વારા ગાડુ ગબડાવવામાં આવી રહ્યું છે. સત્તાધિશોની બેદરકારીનો ભોગ વિદ્યાર્થીઓ બની રહ્યાં હોય જેને લઈને એનએસયુઆઈ ભાવનગર કોંગ્રેસ દ્વારા કુલપતિને એવા પ્રકારે રજૂઆત કરાઈ છે કે જ્યાં સુધી શારીરિક શિક્ષણના નિયામકની કાયમી નિમણુંક કરવામાં ન આવે ત્યાં સુધી કોઈપણ ગેમની ઈવેન્ટનું આયોજન કરવું નહીં.