યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધીના સંસદીય ક્ષેત્ર રાયબરેલીમાં નરેન્દ્ર મોદીએ ૯૦૦માં કોચ અને હમસફર કોચને લીલીઝંડી આપી હતી. ત્યારબાદ તેમણે ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું હતું કે, રાયબરેલીની મોર્ડન કોચ ફેક્ટ્રીમાં દર વર્ષે ૧૦૦૦ નવા રેલવે કોચ બનાવવાની યોજના હતી પરંતુ અગાઉની સરકારોની કાર્યસંસ્કૃતિના પરિણામ સ્વરુપે ૨૦૧૪ સુધી અહીં માત્ર ત્રણ ટકા મશીનો કામ કરી રહી હતી. અહીં કપૂરથલાથી લાવવામાં આવેલા કોચમાં બોલ્ટ લગાવવા અને પેઇન્ટિંગ કરવાનું કામ થતું હતું પરંતુ અમારી સરકાર આવ્યા બાદ મોર્ડન કોચ ફેક્ટ્રીમાં તમામ મશીનરી કામ કરી રહી છે.
નવી અને આધુનિક મશીનો લાવવામાં આવી રહી છે. મોદીએ જાહેરાત કરી હતી કે, કેન્દ્ર સરકારનો હેતુ આ ફેક્ટ્રી દુનિયાની સર્વશ્રેષ્ઠ મોટી કોચ ફેક્ટ્રી બને તેવો રહેલો છે. દર વર્ષે પાંચ હજાર કોચ તૈયાર કરવામાં આવે તેવી તેમની યોજના છે. સરકારની યોજના છે કે, આ ફેક્ટ્રીમાં મેટ્રોના કોચ પણ બનાવવામાં આવે. અગાઉની યુપીએ સરકારની નીતિઓ ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યં હતું કે, ૨૦૦૪થી પહેલા રાયબરેલીના સ્થાનિક વેપારીઓ પાસેથી આ ફેક્ટ્રી માટે એક કરોડથી પણ ઓછી કિંમતની ચીજો ખરીદવામાં આવતી હતી પરંતુ તેમની સરકાર આવ્યા બાદથી સ્થાનિક કારોબારીઓ પાસેથી ૧૨૫ કરોડથી વધુની કિંમતની ચીજવસ્તુઓ ખરીદવામાં આવી રહી છે. હાલના સમયમાં કોંગ્રેસ પાર્ટીના લોકો સેનાના અધિકારીઓ અને ટોપ હોદ્દા ઉપર બેઠેલા લોકોને પણ ગુંડાઓ અને ચોર તરીકે કહે છે. તેમને સર્જિકલ સ્ટ્રાઇકમાં વિશ્વાસ નથી. ભારતીય સેના અને ભારત સરકારમાં વિશ્વાસ નથી. પાકિસ્તાન અને અન્ય દેશો દ્વારા કરવામાં આવતી બાબતો ઉપર વધારે વિશ્વાસ છે. આ પ્રકારની વિચારધારા ધરાવનાર પાસેથી વધારે અપેક્ષાઓ રાખી શકાય નહીં. આજે અનેક યોજનાઓના લોકાર્પણ અને શિલાન્યાસની વિધિ હાથ ધરાઈ હતી. આશરે ૧૧૦૦ કરોડ યોજનાઓની મોદીએ ભેંટ આપી હતી. મોદીએ આધુનિક રેલ કોચ ફેક્ટ્રી અને ૫૫૮ કરોડ રૂપિયાના ખર્ચ સાથે બનેલા રાયબરેલી-બાંદરા હાઈવેનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ રહ્યા હતા. મોદીએ એમ પણ કહ્યું હતું કે, તેમની સરકાર રાયબરેલી ક્ષેત્રના વિકાસ માટે પણ સંપૂર્ણપણે સમર્પિત છે. ૩૧મી ડિસેમ્બર સુધી અમેઠી જનપથના દરેક વિસ્તારમાં વિજળી પહોંચી જશે. દરેક પરિવારને વિજળી ફ્રી કનેક્શન આપવામાં આવશે. એક વર્ષના ગાળામાં બનેલા ૯૦૦ કોચ, ૪૮૦ કરોડના ખર્ચથી ક્ષમતા વધારવા અને ૨૦૦૦ કોચ બનાવવાનો રેલવે મંત્રી પીયુષ ગોયેલના ફેંસલાની પણ મોદીએ વાત કરી હતી.