લોકસભામાં ટ્રિપલ તલાક બિલ રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે સોમવારે આ બિલ સદન સમક્ષ રજૂ કર્યું. તેમણે કહ્યું કે ટ્રિપલ તલાક બિલ પરણિત મુસ્લિમ સ્ત્રીઓને ન્યાય અપાવનાર બિલ છે અને આ દેશની હિતમાં છે. તેમણે કહ્યું કે ટ્રિપલ તલાકનો દુરૂપયોગ થઇ રહ્યો છે. મુસ્લિમ સ્ત્રીઓને ક્યારેક ઇમેઇલ દ્વારા તો ક્યારેક વોટ્સએપથી તલાક આપવામાં આવે છે, તેથી સરકારે તેના પર રોક લગાવવા ઇરાદાથી ટ્રિપલ તલાક બિલને રજૂ કર્યું છે. તેના પછી વિપક્ષી પાર્ટીઓએ હોબાળો શરૂ કર્યો હતો. હોબાળા-વિવાદને જોતા સ્પીકર સુમિત્રા મહાજને લોકસભાની કાર્યવાહી ૨ વાગ્યા સુધી સ્થગિત કરી હતી.
બીજી તરફ રાફેલ ડીલ, કાવેરી જળ, આંધ્રપ્રદેશને ખાસ રાજ્ય તરીકેનો દરજ્જો સહિત વિવિધ મુદ્દાઓ પર વિવિધ પાર્ટીના સભ્યોના હોબાળાના કારણે રાજ્યસભાની બેઠક સોમવારે શરૂ થવાના આશરે ૫ મિનિટ પછી સમગ્ર દિવસ માટે સ્થગિત કરાઇ છે. સંસદના શિયાળુ સત્રમાં ઉચ્ચ સદનમાં સતત હોબાળા-વિવાદના કારણે અત્યાર સુધીમાં એક વખત પણ શૂન્યકાલ અને પ્રશ્નકાલ થઈ શક્યો નથી. આગામી વર્ષ યોજાનાર લોકસભા ચૂંટણી પહેલા સંસદના વર્તમાન કાર્યકાળનો આ છેલ્લો સંપૂર્ણ સત્ર છે. ૧૧ ડિસેમ્બરથી શરૂ થયેલું આ શિયાળુ સત્ર ૮ જાન્યુઆરી સુધી ચાલશે.
આ દરમિયાન સત્તા પાર્ટીનો પ્રયાસ ટ્રિપલ તલાક, ઉપભોક્તા સંરક્ષણ, ડીએનએ, ચીટ ફંડ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક જેવા બિલ સહિત લગભગ ત્રણ ડઝન બિલ પસાર કરવાના છે. સૂત્રો અનુસાર, તેમાં ૨૦ બિલો નવા છે, જ્યારે બાકીના સદનમાં પહેલાથી જ રજૂ કરવામાં આવ્યા છે.