મહાચકચાર મચાવનાર લોકરક્ષક પેપર લીક કાંડમાં મોટી સફળતા મળી છે. દિલ્હીની પ્રોફેશનલ ગેંગ સાથે આખુ ષડયંત્ર રચનાર સુરેશ પંડ્યાની ધરપકડ કરવામાં આવી છે. જેના કારણે ગુજરાતની પોલીસને આ કાંડની મહત્વપૂર્ણ કડી હાથ લાગી છે. સુરેશનાં સાગરિત અશ્વિન અને કેરિયર તરીકે કામ કરનાર નિલેશની પણ હવે પકડાઇ જશે.
આ આખુ ષડયંત્ર અમદાવાદમાં આશ્રમ રોડ ઉપર આવેલી વાઈસ પ્રેસિડેન્ટ નામની હોટલમાં રચવામાં આવ્યું હતું. સુરેશે નિલેશને જવાબદારી સોંપી હતી કે પેપર ખરીદનાર લોકોને દિલ્હી લઈ જવા. આ નિલેષે જ અમદાવાદની હોટલમાં પેપરલીક કૌભાંડ માટેની મિટીંગની આખી વ્યવસ્થા ગોઠવી હતી અને તે પોતે પણ આ મિટીંગમાં હાજર હતો.
આ કાંડમાં એક મુળ દિલ્હીનો રહેવાસી વિનીત માથુરની પોલીસે ધરપકડ કરી લીધી છે. જ્યારે બીજો આ ષડયંત્રનો મુખ્ય સુત્રોધાર અશોક શાહુને પણ એટીએસ ગુજરાત અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઈન્દોરથી ઝડપી લીધો છે. આ આરોપીનો ભુતકાળ તપાસતાં તે અગાઉ પણ મધ્યપ્રદેશની એફસીઆઈના એક પેપર લીક કૌભાંડમાં તે પકડાયો હતો. અને તે જામીન પર હતો દરમ્યાન તેણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની પરીક્ષાનું પેપર લીક કરવાના કૌભાંડમાં મોટી ભુમિકા ભજવી હતી.
વિનીતકુમાર માથુર જે જગ્યાએ છોકરાઓને પેપર બતાવવામાં આવ્યા હતા ત્યાંની તમામ વ્યવસ્થાઓ તેણે કરી હતી. તે ત્યાં હાજર પણ હતો. આખું પેપરલીક કૌભાંડનું ષડયંત્ર અમદાવાદની વાઈસ પ્રેસિડેન્ટ હોટલમાં ઘડી કાઢવામાં આવ્યું હતું.
આ હોટલમાં ગત ૨૮ નવેમ્બરના રોજ મિટીંગ મળી હતી. આ મિટીંગ વડોદરાના નિલેશ દિલીપભાઈ ચૌહાણે ગોઠવી હતી. તે પોતે મિટીંગમાં હાજર પણ રહ્યો હતો.