ગાયક સોનુ નિગમે મંગળવારે પોતાની વ્યથા ઠાલવતાં કહ્યું કે- કાશ તેનો જન્મ ભારતના બદલે પાકિસ્તાનમાં થયો હોત તો સારૂ હોત, તેને ભારતમાંથી સારી ઓફર મળતી રહેતી હોત. સોનુ નિગમના આ નિવેદનની ભારે ચર્ચા થઈ રહી છે. આ પહેલાં પણ સોનુ નિગમે અઝાનને લઈને કેટલાંક વિવાદાસ્પદ નિવેદનો તેમજ ટ્વીટ કર્યાં હતા.
એક હિન્દી ન્યૂઝ વેબસાઈટ સાથે વાત કરતાં સોનુ નિગમે કહ્યું કે- ભારતમાં સિંગર્સની સાથે ઘણું ખોટું થાય છે. મ્યૂઝિક કંપનીઓ સિંગર્સ પાસેથી પૈસા વસૂલે છે. પાકિસ્તાનમાં આવું નથી થતું. ત્યાં ગાયકો પાસેથી કોઈ પણ પ્રકારની એક્સ્ટ્રા ફી લેવામાં નથી આવતી. ભારતમાં સિંગર્સે મ્યૂઝિક કંપનીઓને પૈસા આપવા પડે છે. જો તેઓ આવું ન કરે તો તેને ગાવાનો ચાન્સ નથી મળતો. આતિફ અસલમ અને રાહત ફતેહ અલી ખાન અંગે વાત કરતાં સોનુ નિગમે કહ્યું કે તે લોકોને એવું નથી કહેવામાં આવતું કે ગાવા માટે પૈસા આપો. સોનુ નિગમે વધુમાં કહ્યું કે- આ કારણે જ બોલીવુડ ફિલ્મોમાં સારા ગીત નથી બનતા. પહેલાં નવા ગીત બનતા પણ હવે માત્ર રીમિક્સ જ બને છે. હવે મ્યૂઝિક કંપનીઓ સંગીત કમ્પોઝ કરે છે તેથી સારા ગીતની આશા વ્યર્થ છે.