ભાજપ કાળા ધનનો ઉપયોગ કરે છે :કોંગીનો સીધો આક્ષેપ

722
guj29112017-6.jpg

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્માએ આજે અમદાવાદની મુલાકાત દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર ગંભીર આક્ષેપો કરી તેજાબી ચાબખા વરસાવ્યા હતા. કોંગ્રેસના નેતા આનંદ શર્માએ મોદી પર સીધા નિશાન તાકતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની મરજી મુજબ દેશ ચલાવી રહ્યા છે. તેમણે વડાપ્રધાનપદની ગરિમા જાળવી નહી તે દુઃખદ બાબત છે. 
ભાજપના બીજા નેતાઓની ભાષા પણ આપત્તિજનક છે. મોદી એ દેશના વડાપ્રધાન છે, ભાજપના નહી. ભારતનું અર્થતંત્ર કાળાધન પર ચાલે છે તેવી ખોટી અને ભ્રામક વાતો કરી વડાપ્રધાને દેશની પ્રજાને ગુમરાહ કરી છે. વાસ્તવમાં ભાજપ આ ચૂંટણીમાં કાળા ધનનો ઉપયોગ કરી રહી હોવાનો ગંભીર આક્ષેપ પણ તેમણે લગાવ્યો હતો. કોંગ્રેસના  રાષ્ટ્રીય નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સત્તા અને પૈસાના જોરે આ ચૂંટણી લડી રહી છે, તેની પાસે તમામ તાકાત છે. મોદી સરકારના તમામ મંત્રીઓ અહીં છે અને રાજયના બધા પ્રધાનો પણ પ્રચારમાં વ્યસ્ત છે તો રાજય કોણ ચલાવી રહ્યું છે. જીએસટી મુદ્દે પણ તેમણે મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા કે, મોદી સરકારે જીએસટીનું યોગ્ય અને સરળ મોડેલ જાહેર કરવું જોઇએ. વાસ્તવમાં સાત વર્ષ સુધી કોંગ્રેસ જીએસટી લાવવાનો પ્રયાસ કર્યો હતો એ વખતે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ તેનો વિરોધ કર્યો હતો અને બાદમાં હવે રાજકીય લાભ ખાટવા જીએસટી તેમની સરકાર લાવ્યાનો ભ્રામક પ્રચાર કરે છે. તેમણે જીએસટી મુદ્દે જાહેરમાં ચર્ચા કરવાની ખુલ્લી ચેતવણી પણ ઉચ્ચારી હતી. તેમણે ઉમેર્યું કે, નોટબંધી અને જીએસટીએ દેશના અર્થતંત્રને નષ્ટ કરી નાંખ્યું. દેશનો જીડીપી દર ઘટીને તૂટી ગયો તેમછતાં કેન્દ્ર સરકાર શા માટે ચૂપ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહની કંપની રૂ.૫૦ હજાર કરોડમાથી રાતોરાત રૂ.૮૦ કરોડનો નફો રળતી કેવી રીતે થઇ તેનો જવાબ કેમ મોદી આપતા નથી અને વાયુસેનાના રાફેલ કૌભાંડ મામલે ખાનગી કંપનીને કોન્ટ્રાકટ આપવા મુદ્દે મોદી કેમ સ્પષ્ટતા કરતા નથી એમ કહી શર્માએ મોદીને સીધા સવાલો પૂછયા હતા. તેમણે પાકિસ્તાન સાથે વડાપ્રધાન મોદીએ કરેલા અગાઉના વાર્તાલાપને લઇને પણ સવાલો ઉઠાવ્યા હતા કે, લાહોરમાં વડાપ્રધાન કહ્યા વિના કેમ ઉતર્યા હતા, ત્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું ન હતું, કોઇપણ જાહેરાત કે આયોજન વિના જ ત્યાં ભેટ-સોગાત લઇ જવાઇ હતી. આ બધી વાતો પરથી વડાપ્રધાન મોદીના મિત્ર નવાઝ શરીફના સંબંધો જાહેર થઇ ગયા હતા. પંડિત નહેરૂ વિશે આપત્તિજનક ટિપ્પણીની પ્રતિક્રિયા આપતાં આનંદશર્માએ જણાવ્યું હતું કે, નર્મદા ડેમનો શિલાન્યાસ નહેરુજીએ જ કરાવ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી બનશે એટલે કોંગ્રેસ ત્યાં જશે અને સરદાર પટેલના આશીર્વાદ લેશે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા આનંદ શર્માની સાથે કોંગ્રેસ આઇટી સેલના રાષ્ટ્રીય વડા પ્રિયંકા ચતુર્વેદી પણ હાજર રહ્યા હતા. 

Previous articleપાટીદારોને અનામત પ્રશ્ને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો : રવિશંકર પ્રસાદ
Next articleઅમદાવાદ શહેર-ગ્રામ્યની પાંચ બેઠકો પર કોંગ્રેસને એનસીપી નડશે?