ગુજરાતમાં એક જ દિવસમાં ભૂકંપની નવ જેટલા આંચકા અનુભવાયા છે. રાજ્યના અલગ અલગ ત્રણ જિલ્લાઓમાં આંચકાઓ અનુભવાયા હતા. એકલા સુરેન્દ્રનગર જિલ્લામાં જ પાંચ આંચકા અનુભવતા ફફડાટ વ્યાપી ગયો છે.
ભૂકંપના આ આંચકાઓ સવારે ૮.૨૦ વાગ્યાથી બપોરના ૨.૦૦ વાગ્યા સુધી અનુભવાયા હતા. સવારે આઠ વાગ્યે ૨.૦ની તીવ્રતાનો સૌથી મોટો આંચકો અનુભવાયો હતો. તો ગીર-સોમનાથમાં બપોરે ૨.૧૨ વાગ્યે ૧.૭ની તીવ્રતાનો આંચકો અનુભવાયા હતો.
એક સમયે ખૂબ ભૂકંપને કારણે તબાહ થઈ ગયેલા કચ્છમાં પણ ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા. કચ્છના રાપરમાં બે અને ભચાઉમાં ભૂકંપનો એક આંચકો અનુભવાયો હતો. જોકે, આ ભૂકંપના તમામ આંચકાઓની તીવ્રતા ઓછી હતી, જેના કારણે મોટા ભાગના કેસમાં લોકોને તેની ખબર પડી ન હતી.
૧૪મી ડિસેમ્બરના રોજ સુરત અને આજબાજુના વિસ્તારમાં રાત્રે ૮.૪૫ કલાકે ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. રિક્ટર સેલ પર ૩.૫નો આંચકો નોધાયો હતો. ભૂકંપનું એપી સેન્ટર સુરતથી ૨૦ કિલોમીટર દૂર નોધાયું હતું.
સુરતના ધરતીકંપના આંચકાની અસર ભાવનગરમાં પણ જોવા મળી હતી. તળાજા પંથકના ગામડાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ૪ થી ૫ સેકન્ડ સુધી ધરા ધુર્જતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.