જસદણ પેટાચુંટણી : પ્રચાર પડઘમ શાંત પડ્યા

832

આગામી ૨૦ મી ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની જસદણ બેઠક માટે મતદાન થવાનું છે. મંગળવાર સાંજે પ્રચાર પડઘમ શાંત પડ્યા. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા અત્યારે જોર શોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ પેટા ચૂંટણીમાં જીત મેળવવા માટે કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવી દીધું છે. કારણ કે જસદણની પેટા ચૂંટણી કોંગ્રેસ અને ભાજપ બંન્ને માટે પ્રતિષ્ઠાનો જંગ છે.

જસદણ બેઠક વિશે વાત કરીએ તો આ બેઠક પર વર્ષ ૨૦૧૭માં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા છે અને એટલે આ ચૂંટણી યોજાઈ રહી છે. બાવળિયાએ રાજીનામું આપતાની સાથે જ ભાજપે કુંવરજી બાવળીયાને પ્રધાન પદ આપ્યું હતું.

તો આ સાથે જ સામે પક્ષે કોંગ્રેસમાંથી કુંવરજીનાં ચેલા અવસર નાકિયાને ઉમેદવાર બનાવ્યા છે. નાકિયા રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખ પણ હતા. મહત્વનું છે કે આ બેઠક પર એક લાખ ૨૧ હજાર વધુ પુરુષ ઉમેદવાર અને એક લાખ નવ હજારથી વધુ મહિલા મતદારો છે. ત્યારે આ ચૂંટણી ખૂબ મહત્વપૂર્ણ બની રહેવાની છે.

ભાજપની મહિલા કાર્યકરો સાથે અંજલીબેન ઘરે ઘરે જઈને ભાજપને મત આપવાની અપીલ કરી. ૨૦મી ડિસેમ્બરે મતદાન થવાનું હોવાથી મંગળવારે સાંજે પાંચ વાગ્યા સુધી જ પ્રચાર કરી શકાય ત્યારબાદ જાહેરસભા કે રેલી કરી શકાતી નથી. જેને ધ્યાનમાં રાખીને સવારે જસદણમાંથી વિશાળ રેલી કાઢી હતી. જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

જસદણની પેટાચૂંટણીનો ગરમાવો એટલો બધો છે કે કોંગ્રેસ અને ભાજપનાં પ્રદેશ પ્રભારીઓને ગુજરાતમાં આવવું પડ્યું છે. ભાજપ કોંગ્રેસનાં નાનમાં નાના નેતાઓ જસદણમાં ફરી રહ્યાં છે. ભાજપ કોંગ્રેસનાં ૮૦ ધારાસભ્યો જસદણમાં ધામા નાખીને બેઠા છે. માત્ર જસદણમાં જ નહીં આસપાસનાં ગામડાઓમાં કાર્યકરોનાં ઘરે ભાજપ કોંગ્રેસનાં નેતાઓ ધારાસભ્યો , હોદ્દેદારો રાજકીય મહેમાન બન્યા છે. ઘણાં હોટલોમાં રહ્યાં છે તો ઘણાં ઘર ભાડે રાખીને રહ્યાં છે.

ભાજપની આ મહારેલીમાં કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા અટવાઈ ગયા હતાં. રેલીમાં ફરી રહેલા ભાજપના કાર્યકરોએ તેમને રોક્યા અને ભાજપને મત આપવા કહ્યું હતું. એક તબક્કે તો અવસર નાકિયા અને ભાજપના કાર્યકરો વચ્ચે થોડી ચડભડ પણ થઈ હતી. જો કે ત્યારબાદ નાકિયા ત્યાંથી રવાના થઈ ગયા હતાં.

ભાજપની આ પ્રચાર રેલીની શરૂઆત વીંછિયાથી થઈ અને જે જસદણ સુધી રહી. રેલીમાં ભાજપના દિગ્ગજ નેતાઓ જોડાયા હતાં. જેમાં ભીખુભાઇ દલસાણીયા, મોહન કુંડારીયા, કાંતી અમૃતીયા, પુનમ મકવાણા પણ જોડાયા હતાં. અંજલી બેન રૂપાણી સંહિતાના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

Previous articleસુરેન્દ્રનગરમાં ભૂકંપનાં ૫ આંચકા અનુભવતા ફફડાટ
Next articleવિદેશી પક્ષીઓનું એરોડ્રામ થોળ પક્ષી અભયારણ્ય, પર્યટકોની જામતી ભીડ