કડી તાલુકાના થોળ સ્થિત પક્ષી અભયારણ્ય વિઝા વિનાના વિદેશી મહેમાનોનું એરોડ્રામ ગણાય છે.
હજારો માઇલનું અંતર ખેડી ખોરાકની શોધમાં અને મર્યાદિત પાણી, સાનુકૂળ વાતાવરણમાં ડિસેમ્બર માસ ફુલગુલાબી ઠંડીની શરૂઆત થતાંની સાથે થોળ અભયારણ્ય વિદેશી પક્ષીઓના કલશોરથી ગૂંજી ઉઠે છે.
માનવરહિત જગ્યામાં પ્રાકૃતિક રીતે ખીલી ઉઠેલી લીલી વનરાઇની ગોદમાં વિદેશી પક્ષીઓનો કલરવ તન મનને શાંત કરી દે છે. જેને લઇ પર્યટકોની વહેલી સવારથી ભીડ જોવા મળે છે.
બર્ડવોચર રાજુભાઇ પટેલ તથા જન્મેજય જાડેજાના જણાવ્યા અનુસાર, અહીં જોવા મળતા વિદેશી યાયાવર પક્ષીઓમાં કોમન ક્રેન ૫૦૦૦, ગ્રે લેગ ગુંજ ૩૦૦૦, ફેલ્મિંગો ૩૦૦૦, પેલીકન ૨૦૦, રૂફ ૨૫૦૦, મલાર્ડ ૧૦૦, પોચાર્ડ ૧૦૦, હેરોનરી બર્ડ ૨૦૦૦ તેમજ અન્ય સ્થાનિક પક્ષીઓમાં બતકો, સુરખાબ, કુંજ જેવા હજારોની સંખ્યામાં જોવા મળે છે.