માલગાડીની હડફેટે આવતા ત્રણ સિંહોના મોત

1279

અમરેલી જિલ્લાના સાવરકુંડલામા બોરાળા ગામના ફાટક પાસે આજે વહેલી પરોઢ પહેલાં માલગાડીની હડફેટે ત્રણ સિંહના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવાની સાથે સાથે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. ત્રણ સિંહોના રેલ્વે અકસ્માતમાં મોત નીપજવાની ઘટનાના સમાચાર મળતાં જ વનવિભાગના અધિકારીઓ અને સ્થાનિક પોલીસના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. થોડા સમય પહેલાં પણ અન્ય જંગલ પંથક નજીકના વિસ્તારમાંથી પસાર થતી રેલ્વે લાઇન પર ટ્રેનની હડફેટે સિંહ અને હાઇવે પરથી પસાર થતી વખતે વાહનોની હડફેટે દિપડાના મોતની ઘટનાઓએ ભારે ચકચાર જગાવી હતી, ત્યારે આજે વધુ ત્રણ સિંહોના માલગાડીની ટક્કરથી કપાઇને મૃત્યુ નીપજવાની ઘટનાએ વન્ય પ્રેમી જનતા ખાસ કરીને સિંહપ્રેમી લોકોમાં ભારે આઘાત અને શોકની લાગણી જન્માવી હતી. ગીર પંથક અને તેની આસપાસના વિસ્તારના પંથકોમાં છેલ્લા કેટલાક મહિનાઓથી એક પછી એક સિંહો, સિંહણ અને સિંહબાળના મોતની ઘટનાઓ છાશવારે સામે આવતી રહે છે, જેને લઇ રાજયના વનવિભાગના અધિકારીઓ, સ્થાનિક પોલીસ તંત્રની સાથે સાથે સરકારી તંત્ર સામે પણ ગંભીર સવાલો ઉઠયા છે પરંતુ તેમછતાં હજુ સિંહોના મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો. કોઇક ને કોઇક કારણસર સિંહોના એક પછી એક મોત સામે આવી રહ્યા છે. સાવરકુંડલામા બોરાળા ગામના ફાટક પાસે આજે વહેલી પરોઢ પહેલાં માલગાડીની હડફેટે ત્રણ સિંહના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજયા હોવાનું આજે સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ટ્રેનની હડફેટે આવી જવાથી સિંહના શરીરના કટકે કટકા થઇ ગયા હતા. સિંહના અંગો વિચ્છેદ થઇ ગયા હતા અને વિખરાયેલા પડયા હતા. સમગ્ર બનાવની જાણ થતાં જ સ્થાનિક વન વિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહોને કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર બનાવ અંગે જૂનાગઢ સીસીએફએ જણાવ્યું હતું કે, રાતના ૧૨.૪૫ વાગ્યાનો બનાવ છે. બોટાદથી માલગાડી પીપાવાવ જઇ રહી હતી ત્યારે બોરાળા ફાટક પાસે રેલવે ટ્રેક પર છ સિંહો ચાલી રહ્યા હતા. જેમાં ત્રણ હડફેટે આવી જતા ત્રણેયના મોત નીપજ્યા હતા. મોતને ભેટેલા ત્રણ સિંહોમાં બે દોઢથી બે વર્ષના બે સિંહ અને એક દોઢ વર્ષની સિંહણનો સમાવેશ થાય છે. ટ્રેનની સ્પીડ કેટલી હતી તે અંગે તપાસ ચાલુ છે. આમાં જે કોઇ પણ દોષિત સાબિત થશે તેની સામે કડક પગલા લેવામાં આવશે.

Previous articleગુજરાત સરકાર ખેડૂતોનું દેવું માફ નહીં કરે : નાયબ મુખ્યમંત્રી
Next article૯૯ ટકા ચીજો ૧૮ ટકાના સ્લેબમાં જ સામેલ કરાશે : મોદી