વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જીએસટીને લઇને કેટલીક વાત કરી હતી. જીએસટીને વધુ સરળ બનાવવાનો સંકેત આપ્યો હતો. મોદીએ કહ્યું હતું કે, તેમની સરકાર એવી ખાતરી આપવા માંગે છે કે, ૯૯ ટકા ચીજો જીએસટી સ્લેબના પેટા ૧૮ ટકાની કેેટેગરીમાં આવરી લેવામાં આવશે. મોદીએ જીએસટીની સફળતાની વાત કરતા કહ્યું હતું કે, જીએસટીના અમલીકરણ પહેલા નોંધાયેલા ઉદ્યોગ સાહસિકોની સંખ્યા ૬૫ લાખ હતી જે હવે ૯૫ લાખ સુધી વધી ગઈ છે. રિપબ્લિક સમિટને સંબોધતા મોદીએ આ મુજબની વાત કરી હતી. આજે જીએસટી વ્યવસ્થા મોટાપાયે સ્થાપિત થઇ ચુકી છે અને એવી સ્થિતિ તરફ કામ કરી રહ્યા છે જ્યાં ૯૯ ટકા ચીજો ૧૮ ટકાના જીએસટી સ્લેબમાં રહેશે. મોદીએ ઉમેર્યું હતું કે, સામાન્ય વ્યક્તિ માટે ઉપયોગ કરવામાં આવતી તમામ ચીજો ૧૮ ટકા અથવા તો તેનાથી ઓછા સ્લેબ હેઠળ આવરી લેવામાં આવશે. ઉદ્યોગ સાહસિકો માટે અને અન્ય લોકો માટે આને વધુ સરળ બનાવવામાં આવશે. અગાઉના દિવસોમાં જીએસટીની રચના પ્રવર્તમાન વેટ અથવા તો એક્સાઇઝ ટેક્સ માળખા મુજબ કરવામાં આવી હતી. સમય સમયે બેઠક યોજાતી રહી છે અને તેને વધુને વધુ સરળ કરવાના પ્રયાસ થતાં રહ્યા છે. દેશમાં દેશકોથી જીએસટીને અમલી કરવાને લઇને માંગ હતી. કારોબારી માર્કેટમાં વિરોધાભાષની સ્થિતિ દૂર થઇ છે. અર્થતંત્ર પણ પારદર્શક બની ગયું છે.દેશોમાં નાનકડા ટેક્સ સુધારાને અમલી કરવામાં પણ મુશ્કેલી પડે છે ત્યારે આ સૌથી મોટાપાયે સુધારો હાથ ધરાયો છે. ભ્રષ્ટાચારને દૂર કરવાની તેમની કટિબદ્ધતા પણ દોહરાવી હતી.