છેલ્લા કેટલાએ સમયથી ખેડૂતો જે મુદ્દે ચિંતા વ્યક્ત કરી સરકાર સામે માંગ કરી રહ્યા હતા તે માંગ સરકારે આખરે પુરી કરવાનો નિર્ણય લીધો છે. સરકારે ભાદર-૨ ડેમમાંથી ખેડૂતો માટે સિંચાઈનું પાણી છોડવાનો નિર્ણય લીધો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલે જાહેરાત કરતા જણાવ્યું કે, ૨૫ ડિસેમ્બરથી સિંચાઈ માટે ખેડૂતોને પાણી આપવામાં આવશે. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી ભાદર-૨ ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે. સિંચાઈ વિભાગના અધિકારીઓ અને નીતિનભાઈ પટેલ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે, ૨૫ ડિસેમ્બરથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે. મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે, ખેડૂતોની જરૂરિયાત મુજબ પાણી છોડવામાં આવશે. બંને પક્ષના આગેવાનોની યોજાયેલ બેઠકમાં ખેડૂતો અને રાજ્યના વ્યાપક હિતમાં માણાવદર અને ઉપલેટામાં એક પાણ ઘટાડવાનો નિર્ણય લીધો છે.
સિવાય ખેડૂતોના દેવામાફ મુદ્દે પ્રશ્ન કરતા નીતિનભાઈ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં ખેડૂતોનું દેવું માફ નહી કરવામાં આવે, દરેક રાજ્ય રાજ્યની પરિસ્થિતી અલગ હોય છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાએ સમયથી કોંગ્રેસ અને ખેડૂત આગેવાનો દ્વારા મોટા પાયે ઉભા પાકને નુકશાન થવાની ભીતી દર્શાવી સિંચાઈ માટે પાણીની માંગ કરી રહ્યા હતા. સરકારના આ નિર્ણયથી ખેડુતોની લગભગ અગીયાર હજાર કરતા વધુ વિઘામાં કરોડો રૂપિયાના ખર્ચ કરી વાવેતર કરી દીધેલ ખેતીને નવું જીવતદાન મળી રહેશે. આ પહેલા સરકારે પાણી છોડ્યું હતું પરંતુ, ખેડુતોને બે પાણ મળ્યા બાદ અચાનક પાણી બંધ કરી દેવાતા ખેડુતોએ કલેકટર, સિંચાઇ મંત્રી, સિંચાઇ કચેરીએ સહીતનાઓને રજુઆતો કરી પાણી આપવા માંગણી કરેલ પણ સરકાર દ્વારા કોઇ જ જવાબ નહી મળતા ખેડૂતોમાં રોષ ફેલાઇ ગયો હતો.