ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીએ સંસ્કૃત ભારતીના અધિવેશનનો પ્રારંભ કરાવ્યો

672

મુખ્યમંત્રી ગાંધીનગર નજીક કોલવડામાં યોજાઇ રહેલા સંસ્કૃત ભારતી ગુજરાતના પ્રાંતીય અધિવેશનનો પ્રારંભ કરાવતાં સંબોધન કરી રહ્યા હતા. સંસ્કૃતને બધી ભાષાની મૂળભાષા ગણાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે ભારતની બ્રાન્ડ ઇમેજની ક્ષમતા ધરાવતી આ ભાષાને સ્યુડો સેકયુલરીસ્ટ-ઢોંગી બિન સાંપ્રદાયિકોએ જૂદી રીતે ચિતરીને આપણા દેશની ધરોહર, માનબિંદુ પર કૂઠારાઘાત કરવાના પ્રયાસો કર્યા છે.

સંસ્કૃત બચશે તો જ સંસ્કૃતિ ટકી શકશે એ વાત મધ્યનજર રાખીને આપણે સૌએ રાષ્ટ્રની ધરોહર-માનબિંદુ સમાન સંસ્કૃત ભાષાના જતન-વ્યાપ અને સંવર્ધન માટે પ્રતિબધ્ધ બનવું જ પડશે.  આ અધિવેશન બે દિવસ માટે યોજાઇ રહ્યું છે અને સંસ્કૃત ભાષાના વ્યાપક પ્રચાર-પ્રસારનું સમૂહમંથન અહિં થવાનું છે.

વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, સંસ્કૃત એવી ભાષા છે જેના બધા જ શબ્દોની ઉત્પતિ અને લક્ષ્ય માનવતાના કલ્યાણ માટેના છે. સમાજજીવનને સુસંસ્કૃત અને સંસ્કારિત કરવામાં સંસ્કૃત ભાષાનું મોટું પ્રદાન છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. અધિવેશનમાં ભાગ લઇ રહેલા સંસ્કૃત ભાષા પ્રેમીઓ-પ્રચારકોને આહવાન કર્યુ કે, આજના યુગમાં સંસ્કૃતની સ્વીકૃતિ અને પ્રસાર માટે કઠોર પરિશ્રમની આવશ્યકતા છે.  આ માટે સંસ્કૃતનો વ્યાપ વધારી તેને સર્વસ્પર્શી અને સર્વસ્વીકૃત બનાવવા સંગઠન શકિતનો વિસ્તાર, શિક્ષકોને જોડીને લોકોને સરળતાથી સંસ્કૃતની સમજણ આપવી વગેરે પડકારો ઉપાડી લેવા તેમણે પ્રેરણા આપી હતી.

ગુજરાતમાં સંસ્કૃતનો વ્યાપ વધે એ માટેનું ઇન્ફ્રાસ્ટ્રકચર કાર્યકર્તાઓના માધ્યમથી ઊભું કરવાની નેમ છે. સંસ્કૃત પ્રેમીઓ અને વિશેષજ્ઞો પણ ડીવોશન ભાવથી તેમાં જોડાય તે અપેક્ષિત છે.

મુખ્યમંત્રીએ તત્કાલિન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઇ મોદીએ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના કરી આ મૂળભાષાના ઉચ્ચ અભ્યાસની તકો પૂરી પાડી છે તેની ભૂમિકા આપી હતી.

રાજ્યમાં સંસ્કૃત ભાષાના વધુ વ્યાપકપણે પ્રસાર માટે સંસ્કૃત બોર્ડ રચવાની દિશામાં રાજ્ય સરકાર આગળ વધશે તેવો વિશ્વાસ આપતાં કહ્યું કે સંસ્કૃતના વ્યાપને વધુ બળવત્તર બનાવવા સંસ્કૃત પંડિતો, વિશેષજ્ઞો અને સંસ્કૃત ભારતી સાથે પરામર્શમાં રહીને રાજ્ય સરકાર શકય મદદ માટે યોગ્ય વ્યવસ્થાઓ કરશે.

પરમ પૂજ્ય દંડી સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજે સંસ્કૃતને વેદો-ઉપિનષદોની ભાષા ગણાવતાં તેના ધાર્મિક-આધ્યાત્મિક મહત્વને ઊજાગર કરતાં આશીર્વચનમાં જણાવ્યું કે, જ્ઞાન-વિજ્ઞાનની આ સદીમાં પ્રાકૃત ભાષાનું પણ સંવર્ધન થાય તે સમયની માંગ છે તેમણે આ અધિવેશનની સફળતાની શુભેચ્છાઓ પાઠવી હતી.

Previous articleઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ સામેની વન ડે સીરિઝ માટે ભારતીય ટીમ જાહેરઃ ધોનીનું કમબેક
Next articleવાયબ્રન્ટ : ગુજરાતની ભાવિ વિકાસ યોજના ‘ગુજરાત સ્પ્રિન્ટ ટુ ૨૦૨૨’ ઇવેન્ટમાં રજૂ થશે