મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોલવડામાં યોજાયેલા સંસ્કૃત ભારતી ગુજરાતના પ્રાંતીય અધિવેશનનો પ્રારંભ કરાવ્યો હતો. સંસ્કૃત ભાષાના વધુ વ્યાપક પ્રસાર માટે સંસ્કૃત બોર્ડ રચવાની દિશામાં રાજ્ય સરકાર કામ કરશે તેવો મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. એટલે હવેથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ભણતા વિદ્યાર્થીઓ સંસ્કૃતમાં ડિગ્રી મેળવશે. સંસ્કૃતના વ્યાપનો વધુને વધુ વિસ્તાર કરવા માટે સંસ્કૃત પંડિતો, વિશેષજ્ઞો અને સંસ્કૃત ભારતી સાથે પરામર્શમાં રહીને રાજ્ય સરકાર મદદ માટે યોગ્ય વ્યવસ્થાઓ કરશે.
ભારતીય સંસ્કૃતિનો આધાર સંસ્કૃત ભાષા ઉપર રહેલો હોવાથી સમાજ જીવનને સુસંસ્કૃત અને સંસ્કારિત કરવામાં સંસ્કૃત ભાષાનું પ્રદાન મોટું રહેલું છે. રૂપાણીએ કહ્યું હતું કે જો સંસ્કૃત બચશે તો જ આપણી સંસ્કૃતિ ટકી રહેશે. આ ઉપરાંત ભારતની બ્રાન્ડ ઇમેજની ક્ષમતા ધરાવતી સંસ્કૃત ભાષાને સેક્યુલરીસ્ટ, ઢોંગી બિનસાંપ્રદાયિકોએ જુદી રીતે ચીતરીને આપણા દેશની ધરોહર અને માનબિંદુ ઉપર કુઠારાઘાત કરવાનો પ્રયાસ કર્યો છે.
આપણે બધાએ રાષ્ટ્રની ધરોહર, માનબિંદુ સમાન સંસ્કૃત ભાષાના જતન અને વ્યાપ તેમજ સંવર્ધન માટે પ્રતિબદ્ધ બનવું પડશે. સંસ્કૃત ભાષાના બધા જ શબ્દોની ઉત્પત્તિ અને લક્ષ્ય માનવતાના કલ્યાણ માટે છે.