મકર સંક્રાતિ તહેવારને લઈને રાજકોટના અધિક કલેક્ટર તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે પ્રમાણે ચાઇનીઝ તુક્કલ, લોન્ચર, ચાઇનીઝ દોરી અને ચાઈનીઝ લેન્ટર્નના ખરીદ અને વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
અધિક કલેક્ટર પરિમલ પંડ્યા તરફથી બહાર પાડવામાં આવેલા જાહેરનામાં પ્રમાણે શહેરમાં ૨૫મી ડિસેમ્બરથી ૨૫મી જાન્યુઆરી એટલે કે એક મહિના સુધી આ જાહેરનામું અમલમાં રહેશે. આ સમયગાળ દરમિયાન ચાઇનીઝ તુક્કલ અને ચાઇનીઝ દોરીના વેચાર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ આ સમયગાળા દરમિયાન જાહેરનામાનો ભંગ કરતો માલુમ પડશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નિયમભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દર વર્ષે ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. ચાઇનીઝ દોરી પક્ષીઓ તેમજ મનુષ્યો માટે ખૂબ જ ખતરનાક હોવાથી તેના પર પ્રતિબંધ લગાવવામાં આવે છે.
આ ઉપરાંત ચાઇનીઝ તુક્કલને કારણે મકર સંક્રાતિના દિવસોમાં આગના અનેક બનાવો બનતા હોય છે. આથી તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.