૫૦ હજારથી વધુ રકમનો કરવેરો બાકી હોય તેવા બાકીદાર કરદાતાઓની સ્ક્રુટીની, નોટિસ ફટકારાશે

720

મહાપાલિકાનો કરવેરાનો રૂપિયા ૩૨ કરોડનો લક્ષાંક પૂર્ણ કરવા માટે હવે ૪ મહિના જ આડે રહ્યાં છે અને અત્યાર સુધીમાં રૂપિયા ૨૫ કરોડની આવક થઇ છે. ત્યારે હજુ ૧૦ થી ૧૨ કરોડની આવક મેળવવા માટે મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચને મ્યુનિસિપલ કમિશનર દ્વારા કામે લગાડી દેવામાં આવી છે. તેના અંતર્ગત રૂપિયા ૫૦ હજારથી વધુ રકમનો કરવેરો બાકી હોય તેવા બાકીદાર કરદાતાઓની સ્ક્રુટીની શરૂ કરી દેવામાં આવી છે.

સ્ક્રુટીની થઇ ગયા પછી મહાપાલિકા દ્વારા આવા મોટા બાકીદારોને નોટિસ ફટકારવામાં આવશે અને નોટિસને નહીં ગણકારનારા બાકીદારોની સામે એકમને તાળા મારવા, પાણી અને ગટરના જોડાણ કાપી નાખવા કે મહેસૂલી કાયદા હેઠળ સખ્ત કાર્યવાહી કરવા સહિતના આકરા પગલા ભરવામાં આવશે.

મ્યુનિસિપલ કમિશનર ડી એન મોદીએ જણાવ્યું કે કરવેરાની આવક જ મહત્વની છે અને તેની કાયદેસર વસૂલાત કરવામાં શરમ નહીં રાખવા અધિકારીઓને સ્પષ્ટ તાકીદ કરી દેવામાં આવી છે. મોટી રકમના બાકીદારોની સ્ક્રુટીની પૂર્ણ થવાની સાથે જ મોટા ભાગે આગામી સપ્તાહથી મતલબ કે જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહથી બાકીદાર કરદાતાઓને નોટિસ આપવાનો દોર ચાલુ કરવામાં આવશે અને સમયમાં નાણા ભરપાઇ નહીં કરનારાઓ સામે કાર્યવાહી કરાશે.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે. બી. બારૈયાએ જણાવ્યું કે ૫૦ હજારથી વધુ રકમનો કરવેરો બાકી હોય તેવા બાકીદારોમાં રહેણાંક મિલકત ધારકોની સંખ્યા ખુબ ઓછી છે. પરંતુ વ્યવસાયિક એકમો, ઔદ્યોગિક એકમો અને સંસ્થાઓ ની સંખ્યા વધારે હોવાથી તેવા કિસ્સામાં અગ્તાક્રમે પગલા લેવાશે.

Previous articleદહેગામને અછતગ્રસ્ત નહીં જાહેર કરાતાં ખેડૂતોમાં આક્રોશ
Next articleવડોદરા એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માતઃ એક જ પરિવારના ૪ સભ્યોના મોત