દેશના ઉત્તર-પૂર્વય ભાગોમાં સતત હિમવર્ષાને કારણે સમગ્ર ઉત્તર ભારતમાં હાડ થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. ત્યારે ત્યાંની જ ઠંડીની અસરને કારણે ગુજરાતના વિવિધ શહેરોના તાપમાનમાં બે દિવસ દરમિયાન એકથી લઇ ત્રણ ડિગ્રી સુધીનો નોંધપાત્ર ઘટાડો થતાં સમગ્ર રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ત્યારે સિઝનમાં પહેલીવાર અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીનો પારો અનુક્રમે ૯.૩ અને ૯.૪ ડિગ્રીએ પહોંચી જતા લોકોએ હાડ થિજવી દેતી ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો હતો. બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતા છે અને રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાનનો પારો ૫ ડિગ્રી આસપાસ જવાની સંભાવના છે.
અમદાવાદ-ગાંધીનગરમાં છેલ્લા બે દિવસથી તાપમાન સતત ગગડી રહ્યું છે. ત્યારે બુધવારે વહેલી પરોઢથી જ ઠંડા પવનને પગલે રાજ્યનાં મોટાભાગના શહેરોના લઘુત્તમ તાપમાન ૯થી ૧૧ ડિગ્રીની વચ્ચે નોંધાતા વહેલી પરોઢે-મોડી રાત્રે લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો. ત્યારે સતત પડી રહેલી ગાત્રો થિજવી દેતી ઠંડીને કારણે રોડ પર કામ કરતા અને રહેતા લોકોની હાલત કફોડી બનાવી દીધી હતી.
ગાત્રો થિજવી દેતી ઠંડીને કારણે મોડી રાત્રી સુધી ભરચક રહેતા વિસ્તારો પણ સુમસામ જણાતા હતા. વહેલી પરોઢે પણ કામ વગર લોકોએ ઘરમાંથી નિકળવાનું ટાળ્યું હતું. ઠંડીની સાથે સવારે ગાઢ ધુમ્મસ છવાતા વાહન ચાલકોએ પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી.