ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા હતા. તેમણે કોડીનારમાં જાહેર સભાને સંબોધી હતી. જેમાં તેમણે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, ગુજરાતનો વિકાસ જોવા માટે રાહુલ ગાઁધીને ઈટાલીના ચશ્મા ઉતારવા પડશે.
કોડિનારથી અમિત શાહે કહ્યું હતું કે, અમેઠીમાં ૬૦ વર્ષથી ગાંધી પરિવારે કોઈ વિકાસ નથી કર્યો. અમેઠીમા તમે ૬૦ વર્ષથી સત્તા ભોગવી છે, તો વીજળી રસ્તા કેમ ન સુધાર્યા. અમેઠીમાંથી ૧૩,૬૦૦ લોકો ગૂજરાતમાં રોજીરોટી કમાવા આવ્યા છે. જે ગુજરાતમાં થવાનું છે તે આજે યુપીના પરિણામોમાં થયુ છે. પણ રાહુલે વિકાસ જૉવા માટે ઇટાલીના ચશ્મા ઊતારવા પડશે. રાહુલ બાબા તમને ગુજરાતનો વિકાસ નહી દેખાય.
વધુમાં અમિત શાહે કહ્યું કે ચૂંટણી આવતાં જ રાહુલ ગાંધીના આટાફેરા ગુજરાતમાં વધી ગયા છે. જે રીતે યુપીની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા તે જ રીતે ગુજરાતમાં પણ ૧૮ ડિસેમ્બરે કોંગ્રેસના સુપડા સાફ થઈ જશે. ગુજરાતની ગાદી પર ભાજપનો જ ભગવો લહેરાશે. ભાજપ સરકાર આવ્યા
પછી વિકાસ થયો છે. કોંગ્રેસનાં શાસનમાં ગુજરાતમાં અંધારા હતા. કોંગ્રેસ જ્ઞાતિવાદનુ ઝેર ફેલાવી રહી છે. ભાજપ સરકાર આવ્યા પછી વિકાસ થયો. અમે કેન્દ્રમાં બોલતા પ્રધાનમંત્રી આપ્યા છે. કોંગ્રેસનાં શાસનમાં ૧૨ લાખ કરોડનો ગોટાળો થયો હતો. પણ સાડા ૩ વર્ષમાં ભાજપ પર કોઈ આરોપ નથી લાગ્યો.
કોડીનારની સુગર મિલનું કામ ચૂંટણી બાદ પૂર્ણ થશે અને બંધ ફેક્ટરી ફરીથી ધમધમતી થશે તેવું અમિત શાહે કોડીનારવાસીઓને જણાવ્યું હતું. વેરાવળ ખાતે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના ભાજપના આગેવાનો-કાર્યકરોની બેઠક કરી ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું.