કોંગ્રેસના ઉમેદવાર અલ્પેશ ઠાકોર એકવાર ફરીથી વિવાદમાં ફસાયા છે. અલ્પેશ ઠાકોર પર આચારસંહિતાના ભંગ કર્યા હોવાના આક્ષેપ ભાજપે લગાવ્યા છે. આચારસંહિતા હોવા છતાં એક સભા દરમિયાન અલ્પેશે જાહેરમાં રૂપિયા વહેંચ્યા હોવાનો ભાજપે તેમના પર આરોપ મૂક્યો છે.
અલ્પેશ ઠાકોરે એક સભામાં તેમને ચાંલ્લો કરવા આવેલી યુવતીને રૂપિયા ૫૦૦ આપ્યા હતા. સાંતલપુર તાલુકામાં પ્રચાર દરમિયાન અલ્પેશે યુવતીને ખિસ્સામાંથી ૫૦૦ રૂપિયાની નોટ કાઢી આપી હતી. હવે અલ્પેશના આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જો કે અલ્પેશ ઠાકોરે માત્ર એક યુવતીને જ પૈસા આપ્યા હતા.
એટલું જ નહીં સાંતલપુર તાલુકામાં યોજાયેલી આ સભામાં અલ્પેશ ઠાકોર તરફથી શાળાના બાળકોને કોંગ્રેસના ખેસ પણ પહેરાવવામાં આવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોર રાધનપુર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.
બીજી તરફ આજે કેન્દ્રીય ચૂંટણીપંચ પણ ગુજરાતની મુલાકાતે છે, જેઓ આચારસંહિતા મામલે ફરિયાદો અને તેના નિકાલનું નિરીક્ષણ કરશે. એવામાં અલ્પેશ ઠાકોર સામે પગલાં લેવાશે કે કેમ તે જોવાનું રહ્યું.