ગાંધીનગરના નવા મહિલા મેયરનો મામલો ન્યાયાધિન થવાની સાથે ગુંચવાઇ ગયો છે. પોણા બે મહિના પસાર થઇ જવા છતાં કોઇ નિરાકરણ આવ્યુ નહીં હોવાના કારણે આ મુદ્દો મહાપાલિકામાં સતત ચર્ચામાં રહે છે. ત્યારે બુધવારે હાઇકોર્ટમાં વધુ એક તારીખ ૧૦મી જાન્યુઆરીની મુદ્દત પડી હતી. મતલબ કે બે મહિના ઉપરાંતનો સમય તો પસાર થઇ જ જવાનો છે. ત્યારે આગામી તારીખ ૧લી જાન્યુઆરીએ બોલાવવામાં આવેલી સામાન્ય સભાના અધ્યક્ષ સ્થાન પર સ્વાભાવિક રીતે જ મેયર પ્રવિણભાઇ પટેલ જ રહેવાના છે.ત્યારે હવે સ્થિતિ એવી આવી ગઈ છે કે પદ્નામિત મહિલા મેયર છતાં જૂના મેયરને સભા ચલાવવી પડશે.
ગત તારીખ ૨૦ ડિસેમ્બરે મેયર દ્વારા સામાન્ય સભા માટે એજન્ડા બાહર પાડી દેવામાં આવ્યો હતો અને તેમાં બે મુદ્દા પૈકી પ્રથમ મુદ્દો જ એવો છે કે તમામ ૩૨ કોર્પોરેટર તેની કાગડોળે રાહ જોઇ રહ્યાં છે. આ મુદ્દો છે, કોર્પોરેટરોના પગાર વધારા કરવાનો. અંદાજે મહિને રૂપિયા ૫, ૫૦૦નો વધારો કોર્પોરેટર દિઠ થવાનો છે.
નગરવાસીઓના નાણાં ખંખેરવાની આ વાતમાં ભાજપ કે કોંગ્રેસ કોઇએ વિરોધ નોંધાવ્યો નથી. સરકાર દ્વારા કોર્પોરેટરોનો પગાર વધારો તારીખ ૧ એપ્રિલ ૨૦૧૮થી મંજુર કરવામાં આવ્યો હોવાથી ૮ કે ૯ મહિનાનું એરિયર્સ પણ ચૂકવવામાં આવશે, તે અત્રે નોંધનિય રહેશે.
જ્યારે બીજો મુદ્દો રંગમંચના ભાડા નિયત કરવાનો એજન્ડામાં સમાવાયો છે. રંગમંચના ભાડા અગાઉ પ્રતિ દિવસના વધારીને રૂપિયા ૧૦ હજાર નિયત કરાયેલા હતા. પરંતુ મોટભાગના રંગમંચ પાર્ટી પ્લોટ સ્ટાઇલમાં રિનોવેટ કરી દેવાયા પછી સ્થાયી સમિતિના પદાધિકારીઓ દ્વારા ભાડાના દર પ્રતિ દિવસના રૂપિયા ૨૦ હજાર કરી દેવાયા હતા. જેનો વ્યાપક વિરોધ થવાના પગલે અને નગરની સંસ્થા શહેર વસાહત મહામંડળે અહિંસક આંદોલન કરવાની ચિમકી આપ્યાના પગલે ભાડા ૧૫ હજાર કરવાનું નક્કી કરાયુ હતુ. પરંતુ હવે સામાન્ય સભામાં તેનો આખરી નિર્ણય કરવામાં આવનાર છે, તેથી હવે આ મુદ્દે મનપાના સત્તાધીશો તરફથી કેવું વલણ અપનાવવામાં આવે છે તે જ જોવાનું રહ્યું.
મેયર સામેનો પક્ષાંતર ધારાનો ભંગ કરવાનો કેસ, નવા મહિલા મેયરની ચૂંટણી વખતે બંધ કવરમાં રખાયેલો મેયર પ્રવિણભાઇ પટેલનો મત જાહેર કરવાની પદ્દનામિત મેયર રીટાબેન પટેલ અને સાથી નગરસેવકોની અરજી, વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા અને કોર્પોરેટર પિન્કીબેન પટેલે કરેલી ચૂંટણી રદ કરવાની અરજી તથા કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટ દ્વારા કરવામાં આવેલી અપહરણ થવાથી તેનો મત્તાધિકાર છિનવાયાની અરજી હવે હાઇકોર્ટમાં ન્યાયાધિશ પારડીવાલાની કોર્ટમાં ચાલવાની છે.